વાપીના નવા ફલાયઓવબ્રિજ માટે ત્રણ વર્ષથી માત્ર વાતો ચાલી રહ્યાં છે, પરંતુ સ્થળ પર કોઇ કામગીરી દેખાતી નથી. 7 માસ અગાઉ ખુદ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 141 કરોડના ખર્ચે વાપીના રેલવે ઓવરબ્રિજનું ખાતમુર્હુત કર્યુ હતુ,પરંતુ હજુ સુધી સ્થળ પર કોઇ કામગીરી શરૂ થઇ શકી નથી.
વાપી,દમણ, સેલવાસના હજારો વાહન ચાલકો માટે ઉપયોગી વાપી ફલાય ઓવરબ્રિજને તોડી પાડી ઇમરાન નગરથી ચલા ગોલ્ડ કોઇન સુધી નવો બનાવવા સરકારે મંજૂરી આપી હતી.141 કરોડની મંજૂરી બાદ 30 ઓક્ટોબર 2021માં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નાણામંત્રી કનુભાઇ દેસાઇ સહિત વિવિધ મંત્રીઓની હાજરી વચ્ચે વાપીના રેલવે ઓવરબ્રિજનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું.
7 માસ વિતવા છતાં પણ બ્રિજને તોડવાની પણ કામગીરી હાથ ધરાઇ નથી. રેલવેની મંજુરી, ટ્રાફિકની વ્યવસ્થાની કામગીરીમાં જ અત્યાર સુધીનો સમય નિકળી ગયો છે. થોડા દિવસોમાં ચોમાસાના પ્રારંભ થશે.જેથી બ્રિજની કામગીરી શરૂ થઇ શકશે નહિં. છેલ્લા ત્રણ ચાર વર્ષથી વાપી ફલાય ઓવરબ્રિજ બનાવવાની મોટી-મોટી વાતો ચાલી રહી છે. પરંતુ સ્થળ પર કોઇ કામગીરી દેખાતી નથી.વાપીના જન પ્રતિનિધિઓ બ્રિજની કામગીરી ઝડપથી શરૂ થાય તેવા પ્રયાસો કરે તેવી માગ ઉઠી રહી છે.
કામચલાઉ ટ્રાફિક ફાટકો પણ શરૂ થઇ શક્યા નથી
વાપી ફલાય ઓવરબ્રિજ તોડવા પૂર્વે પીડબલ્યુડી,રેલવે વિભાગ અને સંબંધિત વિભાગોએ વાપી ડેપોની સામે તથા બલીઠા પાસે કામચલાઉ ફાટક કાર્યરત કરવાની તૈયારી કરી છે,પરંતુ હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઇ શકી નથી. ડેપો સામે કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે. પરંતુ બલીઠા ખાતે હજુ પણ અધુરી કામગીરી છે. પરિણામે વાપી ફલાય ઓવરબ્રિજનાં પ્રોજેકટની રાહ જોવાઇ રહી છે.
ડબલ એન્જિનની સરકાર છતાં મંથરગતિએ કામગીરી
વાપી રેલવે ઓવરબ્રિજનાં પ્રોજેકટ અત્યાર સુધી કેમ શરૂ થઇ શક્યો નહિ તે પ્રશ્ન તમામ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. કેટલાક બિલ્ડીંગ પ્રોજેકટો પૂર્ણ થયા બાદ જ બ્રિજની કામગીરી શરૂ થશે એવી પણ ચર્ચા ચાલી રહી છે,મહત્વની વાત એ છે કે કેન્દ્ર અને રાજયમાં ભાજપની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં 3 વર્ષથી બ્રિજની કામગીરી આગળ વધી રહી નથી.
અધિકારીઓ માત્ર ટ્રાફિકનો પ્રશ્ન રજુ કરી રહ્યાં છે
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે જયાં સુધી ટ્રાફિકની અવર જવરની વ્યવસ્થા ઊભી થઇ શકે નહિ ત્યાં સુધી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરી શકાય તેમ નથી. બલીઠા ખાતે કામચલાઉ ફાટકની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ તરત જ બ્રિજને તોડવાની કામગીરી હાથ ધરાશે. વાપી પાલિકાના પદાધિકારીઓ પણ બ્રિજની કામગીરી ઝડપથી શરૂ થશે એવા દાવાઓ કરતાં હતાં,પરંતુ આ દાવો પોકળ સાબિત થઇ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.