સૌથી મોટી ગણાતી વાપી જીઆઇડીસીના એકમો પ્રદુષણના મુદે ઘણાં વર્ષોથી સતત ચર્ચામાં રહે છે. ક્રિટિકલ પોલ્યુટેડ એરીયામાંથી બહાર આવ્યાં બાદ પણ કેટલીક કંપનીઓ નિયમોનું પાલન કરતી નથી. છેલ્લા 5 વર્ષમાં 230 કંપનીઓને વાપી જીપીસીબીએ કલોઝર આપ્યાં છે. 800થી વધુ એકમોને નોટિસ ઓફ ડાઇરેક્શન અને શો કોઝ નોટિસ આપવાની ફરજ પડી હતી. ખાસ કરીને પાણી અને હવાના મુદે પર્યાવરણને નુકસાન કરતાં જીપીસીબીએ કલોઝર આપ્યા હતાં.ચાલુ વર્ષે 34 એકમોને કલોઝર મળ્યાં છે.
ગુજરાતમાં સૌથી વધારે પ્રદુષણ મામલે હવે અંકલેશ્વરનું નામ આગળ આવી રહ્યું છે, પરંતુ વાપીના એકમો પણ પર્યાવરણને નુકસાન કરવામાં પાછળ રહ્યાં નથી.વર્ષ દરમિયાન કેટલાક એકમો પર્યાવરણની જાળવણીના નિયમોને નેવે મુકીને પ્રદૂષિત પાણીના નિકાલ, આગની ઘટના,હવાનું પ્રદુષણ,સ્લજ જમીનમાં દાટી દેવા સહિતના કિસ્સામાં જીપીસીબી દ્વારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
વર્ષ 2022માં 34 એકમોને કલોઝર, 62 એકમોને રિવોકેશન, 28 એકમોને નોટિસ ઓફ ડાઇરેક્શન તથા સૌથી વધુ 336 એકમોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી સરેરાશ દર વર્ષે 45 થી 50 એકમોને વર્ષે કલોઝર નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં 230 એકમોને પર્યાવરણના નુકસાન અને નિયમો તોડવા કલોઝર આપવામાં આવી હતી. આમ વાપીના કેટલાક એકમો વર્ષ દરમિયાન પ્રદુષણના મુદે ચર્ચામાં આવતાં હોય છે.
જોખમી વેસ્ટને કંપની પરિસરમાં દાટી પર્યાવરણને નુકસાન માટે પણ ક્લોઝર અપાઇ છે
સેમિનારો-બેઠકો છતાં નિયમોની અવગણના
જિલ્લાના એકમોમાં મોટી દુર્ઘટના ન સર્જાઇ અને પર્યાવરણ જળવાય તે માટે જીપીસીબી અને સ્થાનિક ઉદ્યોગોની સંસ્થાઓ દ્વારા વર્ષ દરમિયાન સેમિનારો અને બેઠકો યોજાતી રહે છે. વાપીમાં પ્રદુષણ ન વધે તે માટે કંપનીઓને અનેક સૂચના-માર્ગદર્શન માટે સેમિનારો રાખવામાં આવે છે, છતાં પણ નિયમોની અવગણનાથી વાપી જીઆઇડીસીની છબી ખરડાઇ છે.
વડી કચેરીએ રિપોર્ટ બાદ કાર્યવાહી
વાપી જીપીસીબીના રિઝયન ઓફિસર એ.જી.પટેલે જણાવ્યું હતું કે કલોઝર અંગેનો નિર્ણય ગાંધીનગર વડી કચેરીથી લેવાય છે, નિયમોનું પાલન ન કરતાં એકમો સામે કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે.જીપીસીબી દ્વારા કલોઝર અપાયા બાદ જયાં જયા ત્રૃતિઅો હોય છે ત્યાં સુધારો કરવાનો હોય છે. જેમાં શરતો આપવામાં આવી હોય છે તેનું પાલન કરવાનું હોય છે.
5 વર્ષમાં એકમોને સૌથી વધારે શો-કોઝ નોટિસ
વર્ષ 2019માં વાપી જીઆઇડીસીની 46 કંપનીઓને કલોઝર મળી હતી. જયારે 176 કંપનીઓને શો-કોઝ નોટિસ તથા 102 એકમોને નોટિસ ઓફ ડાઇરેક્શન અપાયા હતાં. વર્ષ 2020માં 55 કંપનીઓને કલોઝર અપાઇ છે.2021માં 45 એકમોને અને 2022માં 34 એકમોને કલોઝર અપાઇ છે. સરેરાશ એક વર્ષમાં વાપીની 50 જેટલી કંપનીઓને કલોઝર મળે છે.
કંપનીઓને આ કારણોસર કલોઝર
પાણી,હવા અને ઘનકચરાના માપદંડો જળવાતા ન હોય તથા પર્યાવરણ એકટ મુજબ એકમોમાં સ્ટોરેજની સુવિધા ન હોય તેવા સંજોગોમાં કલોઝર આપવામાં આવે છે. જોખમી વેસ્ટને કંપની પરિસરમાં ડાટીને પર્યાવરણના નુકસાન માટે પણ કલોઝર નોટિસ જીપીસીબી આપે છે. આ ઉપરાંત મોટી દુર્ધટના બાદ પણ કલોઝર આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.