વાપી -દમણ રોડ સ્થિત ચલાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગોલ્ડ લોન માટે ગ્રાહકે 19.59 લાખની કિંમતના ગિરવે રાખેલા દાગીનાના બદલે કેશિયરે નકલી દાગીના મુકી દેતા બેંકના મેનેજરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાપી છરવાડા રોડ સ્થિત પ્રમુખ હિલ્સમાં રહેતા નૈનાબેન સુનિલભાઇ લાડેનું વાપી-દમણ રોડ સ્થિત ચલાની યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે. બે વર્ષ અગાઉ તેમણે યુનિયન બેંકમાંથી ગોલ્ડ ઉપર લોન લીધી હતી. તેમણે બેંકમાં જુદાજુદા 19.59 લાખના દાગીના ગિરવે મુકીને લોન લીધી હતી.\\nબેંકમાં ગત 7મી ડિસેમ્બરે 2022ના રોજ કેરળ જવેલરી વર્કસ દ્વારા ગ્રાહકના ખાતાનું મૂલ્યાકંન ઓડિટ થતા યુનિયન બેંકની ચલા બ્રાન્ચમાં 25 ગોલ્ડ લોનના પેકેટોમાંથી નૈનાબેન સુનિલભાઇ લાડેના ઉપરોક્ત ત્રણ ગોલ્ડ લોન પેકેટમાંથી બનાવટી સોનાના દાગીના મળી આવ્યા હતા.
જેથી આ અંગે હેડઓફિસને જાણ કરતા ચીફ મેનેજરે ઇન્વેસ્ટિગેશન કરવાના આદેશ કર્યા હતા. તપાસમાં બેંકના કેશિયર વિપુલ મનચંદાએ ગેરકાયદે તિજોરીને અનેકવખત ખોલી જગ્યા ગોલ્ડ રાખવામાં આવ્યું હતું તે સ્થળે એક્સેસ કરેલાનું જણાયું હતુ. આ ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ કેશિયર વિપુલ મનચંદાની શંકાસ્પદ હરકત નજરમાં આવી હતી.
બેંકના કેશિયર વિપુલ મનચંદાએ જ ગીરવે મુકેલા ગોલ્ડ દાગીના બદલીને તેમના સ્થાને નકલી દાગીના મુકી દીધા હોવાનું બહાર આવતા બેંકના મેનેજર જયદીશકુમાર ચીત્રાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કેશિયર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
હાલ આરોપીની લુધિયાના બ્રાન્ચમાં નોકરી
બેંકના દાગીના સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરનાર કેશિયર આરોપી વિપુલ મનચંદા હાલમાં લુધિયાના ખાતે ફરજ બજાવે છે. મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગર સ્થિત પુરાની આબાદી વિસ્તારમાં રહેતા આરોપી કેશિયરની ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
કામ ન હોવા છતા તિજોરી ખુલી હતી
બેંકની ખાતાકીય તપાસમાં આરોપી વિપુલની પ્રવૃતિઓ દેખીતી રીતે શંકાસ્પદ ફૂટેજમાં જણાય હતી. ફરજ દરમિયાન રોકડ ઉપાડવાના બહાને સેફ વોલ્ડમાં પ્રવેશ્યા હતા અને ગોલ્ડ લોન પેકેટમાં બ્રાઉઝિંગ કર્યુ હતું. કેશિયરને રોકડ ટ્રેમાં ગોલ્ડ લોન પેકેટ મુકતા જોવામાં આવ્યા હતા. આરોપીએ એવા દિવસમાં પણ ગોલ્ડ લોન પેકેટ બ્રાઉઝ કરતા જોવા મળ્યા હતા જ્યારે કોઇ લોન કલોઝ કે ઓપન થઇ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.