બેદરકારી:વલસાડ-વાપીનાં મંદિરોમાં સાવધાની, બજારોમાં બેદરકારી

વલસાડ-વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટછાટના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોએ બહારથી જ દર્શન કર્યા, જ્યારે બજારોમાં ભીડ ઉમટતાં કેસ વધવાની સંભાવના

રાજ્ય સરકારે 11 જૂનથી આપેલી છુટછાટમાં વલસાડ જિલ્લામાં બજારોમાં ભારે ભીડ અને કોવિડ નિયમોના ધજાગરા યથાવત રહ્યા હતા. જ્યારે મંદિરો, બાગબગીચા અને જીમમાં પ્રથમ દિવસે કોઇ ખાસ ચહલપહલ નજરે પડી ન હતી. ભગવાનના દર્શન માટે શ્રધ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. જિલ્લામાં શુક્રવારથી મંદિરોના દરવાજા ખુલી જતાં શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. પરંતું પ્રથમ દિવસે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ભીડ ઉમટે તેવા દશ્યો જોવા મળ્યા ન હતા.

દિવસ દરમિયાન સમયાંતરે લોકો દર્શન માટે છુટાછવાયા પહોંચ્યા હતા. વલસાડ શહેરની શાકભાજી માર્કેટ સામે આવેલા ભીડભંજન મહાદેવ મંદિર, તિથલ સાઇબાબા મંદિર, પારનેરાના પ્રસિધ્ધ ઐતિહાસિક ડુંગરે આવેલા માતાજીના મંદિરે પણ ઓછી સંખ્યામાં દર્શનાર્થી પહોંચી ધન્યતા અનુભવી હતી. જો કે વલસાડ, વાપી, પારડી, ઉમરગામ જેવા શહેરી વિસ્તારોમાં આવેલા માર્કેટ વિસ્તારોમાં ભારે ટ્રાફિક, ભીડ અને નિયમોના ધજાગરા ઉડ્યા હતા. દુકાનો,હોટલો સહિત તમામ વ્યવસાયોની દૂકાનો સાંજે 7 વાગ્યા સુધી ખોલવાની છુટ મળતાં બજારોમાં લોકોએ સોશ્યિલ ડિસ્ટેન્સિંગનું લગીરે ધ્યાન રાખ્યું ન હતું.માસ્ક પણ અડધુ જ પહેરતા લોકોને કોરોનાની ગંભીરતાનો જાણે કોઇ ખ્યાલ જ ન હોય તેવું વર્તન કરતા નજરે પડ્યા હતા.

નિયમોનો પાલન માટે સૂચના આપી
મંદિરોમાં જે કોઇ દર્શનાર્થી ભગવાનના દર્શન માટે પહોંચ્યા તેમને પ્રથમથી જ કોવિડ-19ના નિયમોનું સખ્તાઇથી પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.બોર્ડ પણ લગાવી દેવાયા હતા.મંદિરોમાં પાંખી હાજરીના કારણે પ્રથમ દિને સોશ્યિલ ડિસ્ટેન્સિંગનો કોઇ પ્રશ્ન સર્જાયો ન હતો.જેને લઇ સંચાલકોએ રાહત અનુભવી હતી. ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજે જણાવ્યું કે વલસાડ ખાતે ભીડ ભંજન મહાદેવ મંદિરમાં કોવિડ-19ના નિયમોનું જ ચૂસ્ત પાલન થાય છે.ભક્તોને સૂચના પણ અપાતી રહે છે.દાન લીધા વિના સમાજસેવા સહિતના લોકકલ્યાણના કાર્યો કરી મંદિર ટ્રસ્ટ દ્વારા વહીવટ કરવામાં આવે છે.

યુવાનોએ જીમમાં જાગૃતતા દાખવી હતી
રાજ્ય સરકારે જીમ સંચાલકોને પણ પ્રોપર્ટી ટેક્સમાં મુક્તિની માગણીને સ્વીકારી લેતા સંતોષ અનુભવ્યો હતો.પ્રથમ દિવસે જીમમાં પણ પાંખી હાજરી હતી.જીમ શરૂ કરવા સરકારે આપેલી છુટ સામે કોવિડ-19ના નિયમોનો સખતાઇથી અમલ કરવા જીમ સંચાલકોએ ખુબ કાળજી રાખી હતી.સેનેટરાઇઝ,માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવવા સાથે ઇમ્યુનિટી માટે પણ માર્ગદર્શન અપાયું હતુ.

પારનેરામાં ભક્તોએ માસ્ક સાથે દર્શન કર્યા
પારનેરાના ઐતિહાસિક ડુંગર પર માતાજીના મંદિરોમાં સરકારની ગાઇડલાઇન મુજબ કોવિડ-19નાનિયમોનું પાલન કરવા દરેક શ્રધ્ધાળુઓને સતત તાકીદ કરવામાં આવી રહી છે.મંદિરની સાફસફાઇ,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ અને ફરજિયાત માસ્ક સાથે દર્શન કરવાનો લાભ આપવા ટ્રસ્ટ દ્વારા પ્રયત્નો કરાયા છે. > પંકજભાઇ પટેલ,ટ્રસ્ટી,પારનેરા માતાજી મંદિર ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે...