મુંબઇ-અમદાવાદ ને.હા.48 પર વાપીથી ડુંગરી સુધીમાં ખાડાના કારણે રોજના અકસ્માત થઇ રહ્યાં છે. ચોમાસા બાદ ખાડાના કારણે અકસ્માતમાં 6 લોકો જીવ ગુમાવી ચુક્યાં છે,દિવ્ય ભાસ્કરની ટીમે સ્થળ નિરીક્ષણ કરતાં વાપીથી વલસાડ સુધીના હાઇવે પર 10 સ્થળોએ સૌથી મોટા (ખાડાઓ) ગાબડા જોવા મળી રહ્યાં છે. આમ છતાં નેશનલ હાઇવે ઓથોરોટી દ્વારા કોઇ મરામત કામગીરી શરૂ કરવામાં આવી નથી. રોજના વાપીથી વલસાડ સુધીના હાઇવે પર ત્રણથી ચાર અકસ્માત બની રહ્યાં છે. અત્યાર સુધીમાં ખાડાના કારણે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત પણ થઇ ચુક્યાં છે.
ડુંગરી, સોનવાડા હાઇલે પર પાંચ અને વાપી હાઇવે પર એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આમ છતાં નેશનલ હાઇવે ઓથોરોટી તંત્ર જાગ્યું નથી. પરિણામે હાઇવે પર અકસ્માતોની ભરમાર યથાવત ચાલી રહી છે. સૌથી વધારે સલવાવ,ઉદવાડા અને ખડકી હાઇવે પર મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે.જેની મરામત કામગીરીમાં હાઇવે ઓથોરોટી નિષ્ફળ પુરવાર થયું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી સુધી ફરિયાદો કરવા છતાં પણ હાઇવે પર મરામત કામગીરી દેખાતી નથી.
સવાલ: હાઇવે પર ખાડાના કારણે 6 મોત થયા છે છતાં મરામત કેમ નહીં ?
જવાબ: સોમવારે જ વાપીથી વલસાડ હાઇવેની મુલાકાત લીધી છે અમુક સ્થળે કામગીરી બાકી છે. જે પૂર્ણ કરવામાં આવશે.
સવાલ: ખાડાઓમાં પેવર બ્લોક પણ ટકી રહ્યાં નથી ? હવે શું થશે
જવાબ : સાચી વાત છે, વરસાદ ચાલુ રહેવાથી બ્લોક ઉખડી રહ્યાં છે. અમારા ધ્યાનમાં છે.વરસાદ બંધ થવાની રાહ જોઇ રહ્યાં છે.
સવાલ: ડામરથી ખાડાઓની મરામત કામગીરી કયારે શરૂ કરાશે ?
જવાબ: બે દિવસ સતત વરસાદ બંધ રહેતા જ ડામરથી હાઇવેની મરામત કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વરસાદ ચાલુ રહેવાના કારણે આ શક્ય બની રહ્યું નથી. - રાહુલ જલન, નેશનલ હાઇવેના અધિકારી
10 સ્થળોએ સૌથી વધુ ખાડાઓ
સલવાવ, ઉદવાડા, મોતિવાડા, પારનદી અતુલ, સુગર ફેક્ટરી, સોનવાડા અને ડુંગરી સુધીના હાઇવે પર સૌથી વધારે મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે.
ખડકી હાઇવે પર કારો બંધ થઇ રહી છે
ખડકી બ્રિજ બનાવ્યાંને હજુ ઓછો સમય થયો છે,આમ છતાં બ્રિજ પર મોટા ખાડાઓ પડી ગયાં છે. અહી રોજના કારો બંધ થઇ રહેલી જોવા મળી રહી છે. અકસ્માતો પણ વધી રહ્યાં છે. સ્થાનિક સરંપચ શંકરભાઇ પટેલે જણાવ્યું હતું કે ખડકી હાઇવે પર તાત્કાલિક મરામત કામગીરી થવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.