લમ્પી વાઇરસ:પાંજરાપોળમાં પશુઓ ન લેતાં ઢોર પકડવાનું બંધ, વાપી પાલિકા વિસ્તારમાં માર્ગો પર રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી સહિત વલસાડ જિલ્લામાં લમ્પી વાઇરસના કારણે પશુપાલન વિભાગની દોડધામ વધી છે,વાપીની પાંજરાપોળમાં હાલ નવા પશુઓને લેવામાં આવતાં નથી. જેના કારણે વાપી પાલિકાએ ઢોર પકડવાના અભિયાનને બંધ કર્યુ છે. છેલ્લા થોડા મહિનાથી પાલિકા વિસ્તારના માર્ગો પર રખઢતા ઢોરોના કારણે અકસ્માતના પણ બનાવો બની રહ્યાં છે.

ઢોરો પકડવાની અનેક રજૂઆતો પણ પાલિકા કચેરી સુધી પહોંચી છે. વાપી પાલિકા વિસ્તારમાં ઢોર પકડવાનું અભિયાન હાલ બંધ છે. છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં લમ્પી વાઇરસના 8 જેટલા શંકાસ્પદ કેસો આવ્યાં છે. જેના કારણે પાંજરાપોળ અને ગૌશાળામાં પશુઓને વેક્સિન આપવામા આવી રહી છે. આ સાથે અહી નવા પશુઓને લેવામાં આવતાં નથી.

પાંજરાપોળમાં નવા પશુઓને ન લેવાતાં વાપી પાલિકા દ્વારા ઢોર પકડવાના અભિયાન પણ ચાલુ થઇ શકતું નથી.પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર ચેતન પરમારે જણાવ્યું હતું કે લમ્પી વાઇરસના કારણે પાંજરાપોળમાં નવા પશુઓ લેવામાં આવતાં નથી.જેથી રખઢતા ઢોરો હાલ પકડીને કયા મુકવા તે પ્રશ્નના કારણે ઢોર પકડવાનું અભિયાન બંધ છે.

લમ્પી વાઇરસની નવી ગાઇડલાઇન આવ્યાં બાદ વાપી પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરશે. આમ વાપી પાલિકા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી બંધ રહેતાં અકસ્માતનો ભય વધી રહ્યો છે.લમ્પી વાયરસના પગલે વાપી સહિત વલસાડ જિલ્લામાં પશુ અને વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.

પાલિકા વિસ્તારમાં 80 પશુઓને વેક્સિન
વાપી પાલિકા, પશુપાલન વિભાગ અને અન્ય ટ્રસ્ટના સહયોગથી લેમ્પી વાઇરસને અટકાવવા રખડતા ઢોરોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. છેલ્લા પાંચ દિવસથી આ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 80 ઢોરોને વેક્સિન અપાઇ ચુકી છે. રખડતા ઢોરોને વેક્સિન આપવાનું અભિયાન યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...