વલસાડ જિલ્લામાં કેરીનો પાક આ વર્ષે ખુબ ઓછો આવ્યો છે. જેના કારણે ભાવો વધુ રહેતા પારડી ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે કેરી ચોરીના બનાવો વધી રહ્યાં છે.જેથી રવિવારે સવારે 11 કલાકે પારડી એપીએમસીમાં વેપારીઓ, ખેડૂત અને પોલીસ અધિકારીની બેઠક મળશે.જેમાં કેરી ચોરીના બનાવો કેવી રીતે અટકાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. જો કે હાલ કેરી ચોરીની ફરિયાદો વધુ આવી રહી છે.
વાપી,પારડી સહિત વલસાડ જિલ્લામાં આ વર્ષે 30 ટકા જેટલો જ કેરીનો પાક આવ્યો છે. જેને લઇ ખેડૂતોને પુરતા ભાવો મળી રહેશે કે કેમ તે મોટો સવાલ છે. ઓછા કેરીના પાક વચ્ચે ભાવો ઉચા છે. હાફુસ અને કેસરના ભાવો 1200થી 1500 સુધી બોલી રહ્યાં છે. ઉંચા ભાવોના કારણે રાત્રી દરમિયાન ખેડૂતોના ખેતરમાંથી કેરી ચોરીના બનાવો વધી રહ્યાં છે. પારડી પોલીસમાં ફરિયાદો વધુ આવતાં વેપારીઓએ બેઠક બોલાવાનો નિર્ણય કર્યો છે.
પારડી એપીએમસીના ધર્મેશ મોદીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની આંબાવાડીઓમાંથી કેરી ચોરી કરી 500થી 700ના ભાવે વેચવામાં આવતી હોય છે. પાક ઓછો હોવાથી કેરી ચોરીના બનાવો ન બને તે માટે રવિવારે સવારે 11 કલાકે પારડી એપીએમસીમાં વેપારીઓ સાથે બેઠક બોલાવામાં આવી છે. જેમાં વેપારીઓ અને પોલીસ અધિકારી હાજર રહેશે. કેરી ચોરીના બનાવો અટકાવવા અંગે ચર્ચા વિચારણાં કરવામાં આવશે. આમ વલસાડ જિલ્લામાં કેરીના ઓછા પાક વચ્ચે કેરી ચોરીના બનાવો વધી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને સીધુ નુકસાન જઇ રહ્યું છે.
પારડી, ધરમપુર અને કપરાડામાં ગતવર્ષે પણ આ સિઝન દરમિયાન કેરી ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. તો કેટલાક વાડી માલિકોએ ચોરી અટકાવવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતાં. રવિવારે ચોરી અટકાવવા મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાશે.
એપીએમસીમાં કેરી આવવાનું શરૂ થયું
વલસાડ જિલ્લાની એપીએમસીમાં ધીમે-ધીમે કેરી આવવાનું શરૂ થયું છે. આ વખતે કેરીનો પાક ઓછો છે. પારડી,ધરમપુ,વલસાડ,કપરાડા, ઉમરગામ માર્કેટમાં રાત્રે કેરીનો જથ્થો આવી રહ્યો છે. આ વખતે કેરીની સિઝન ઓછી ચાલશે એવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.