વાપી જે-ટાઇપ રોડ ખાતે રેલવે લાઇનના થાંભલાના ભાગે બનતી નવી ગુડ્સ રેલવે લાઇન ઉપરના કોન્ટેક કોપર તાર અને કેટનરી કોપર તાર મળી કુલ રૂ.1,83,000ની મત્તાનો મુદ્દામાલ કોઇ સાધન વડે કાપી ચોરી કરી લઇ જનાર આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
વાપી કસ્ટમ રોડ ખાતે રહેતા અને મુંબઇ ખાતે આવેલ ઓલમ્પીક સિક્યુરિટી સોલ્યુસન પ્રા.લિ. કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા અરવિંદ નામવરસિંહ ચૌહાણએ બુધવારે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, 13 ફેબ્રુઆરીના રોજ તેઓ સિક્યુરિટી ગાર્ડ સાથે રેલવે લાઇન પર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા.
બલીઠા ફાટકથી વલસાડ તરફ નીકળતા રાત્રિના સાડા નવ વાગે પારડી બ્રીજ પાસે પહોંચતા એક ગાર્ડએ ફોન કરી જણાવેલ કે, વાપી સ્ટેશન તરફના નાળાની પાસે જે-ટાઇપ હનુમાન મંદિરની પાસે નવી બનતી ગુડ્સ રેલવે લાઇનના પોલ ઉપર અજાણ્યા ઇસમો ચઢેલ છે.
જેથી સવારે સ્થળ ઉપર ચેક કરતા ત્યાંથી કોન્ટેક કોપર તાર 85 મીટર કિં.રૂ.87,000 તથા કેટનરી કોપર તાર 82 મીટર કિં.રૂ.96,000 મળી કુલ રૂ.1,83,000ના મુદ્દામાલની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.