મન્ડે પોઝિટિવ:12 વર્ષ સુધી માંસ-મદીરાનું સેવન કરનાર બન્યો શિવભક્ત, 500થી વધુ યુવકોને વ્યસન મુક્ત કર્યા

વાપીએક મહિનો પહેલાલેખક: અક્ષય ગુપ્તા
  • કૉપી લિંક
  • ભીલાડના યુવકે ઉઘાડા પગે ભિક્ષા માંગી મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું, અન્ય સેવાકીય પ્રવૃતિ શરૂ કરવા આયોજન

સેલવાસ માર્ગ સ્થિત ભીલાડ ઇન્ડિયાપાડાના ગજુભાઇ આદિવાસી પરિવારમાંથી આવે છે. તે 18 વર્ષનો હતો ત્યારે દારૂની લતમાં પડ્યો હતો. ઘર પાસે આવેલ જંગલમાં દારૂ પીને ફરતો અને માંસ-મચ્છી ખાઇ ગમે ત્યાં સુઈ જતો હતો. સતત 12 વર્ષ સુધી 24 કલાક દારૂના નશામાં રહેતો ગજુ એક વાર સરીગામની કંપનીમાં નોકરીએ ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે તેમણે રસ્તા પરથી ભગવાન શિવનો ફોટો ખરીદી ઘરે લઈ આવ્યો હતો. તેની તબિયત લથડી હતી અને 6 મહિના સુધી તે પથારીવશ થયો હતો.

દરમિયાન એક દિવસ તેના ઘરે એક સંત આવ્યા હતા અને તેના ઘરે વાસી ભાત જમીને જતા રહ્યા હતા. થોડા દિવસ બાદ ગજુની તબિયતમાં સુધારો આવતા મિત્રો સાથે તે ફરીવાર દારૂ પીવા ઘરથી નીકળ્યો હતો. પરંતુ અડધા રસ્તે ગયા બાદ તે પરત ઘરે આવી ગયો હતો. તે બાદ સતત ભગવાન શિવની પૂજા કરતા ધીમે ધીમે તે દારૂની લતથી બહાર આવ્યો હતો. બાદમાં તેમણે ઉઘાડા પગે ગામ તેમજ આસપાસના વિસ્તારમાં જઈ ભગવાન શિવ મંદિર બનાવવા ભિક્ષા માંગી હતી.

અંતે ઓમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી ગજુ હવે શિવભક્ત ગજુ મહારાજ બની ગયા છે.વ્યસનથી લોકો બર્બાદ ન થાય તે માટે 20 વર્ષમાં તેમણે 500થી વધુ આદિવાસી તેમજ અન્ય યુવકોને વ્યસનથી મુક્ત અને તે સાથે ઘણાંને શાકાહારી બનાવ્યા છે.

નશો છોડાવવા દવા જ જરૂરી નથી, માનસિક મજબૂતી જરૂરી
મહારાજે જણાવ્યું કે, કોઇ પણ વ્યસનને છોડાવવા સામાવાળા વ્યક્તિની માનસિકતા મજબૂત બનાવવી જોઇએ. પરંતુ તે સાથે તેને શરીરથી પણ મજબૂત બનાવો. પોષક આહાર, યોગ અને જપ-તપથી વ્યક્તિમાં એક અલગ ઉર્જા પેદા થાય છે. આ ઉર્જાથી તમે ધારો એ કામ પૂર્ણ આત્મવિશ્વાસથી કરી શકો છો. વ્યસનથી મુક્ત કરાવવા દવા જ જરૂરી નથી.

વ્યસન છોડ્યા બાદ દરિદ્રતા દૂર થઇ
વર્ષો પહેલા હું દારૂ પીવા વગર રહી શકતો ન હતો. જેથી પરિજનો હેરાન હતા. ત્યારે પત્ની મને ગજુ મહારાજ પાસે લઇ આવી હતી. સતત 11 શનિવાર મંદિરમાં રોજ અડધો કલાક ઓમ નમઃ શિવાયનો જાપ મહારાજ મારી પાસે કરાવતા હતા. તે બાદથી ક્યારે પણ દારૂ તરફ જોયું નથી. વ્યસન છોડ્યા બાદથી ઘરની તમામ દરિદ્રતા દૂર થઇ ગઇ.> ઇશ્વરસિંહ મોહનસિંહ સોલંકી, ઉ.વ.56, નરોલી, દાનહ

યોગ કરવાથી પોઝિટીવ એનર્જી મળી
દારૂની સાથે-સાથે સિગારેટ પણ ખૂબ પીતો હતો. જે છોડવા સમજાવી-સમજાવીને મમ્મી કંટાળી ગઇ હતી. પછી મમ્મી મને અહીં મંદિરે લઇ આવી હતી. મહારાજ રોજ એક કલાક મને યોગ સાથે જપ કરાવતા હતા. યોગથી પોઝિટીવ એનર્જી મળી અને અંતે હું વ્યસનમુક્ત બન્યો છું.> અનિલકુમાર, ઉ.વ.26, ભીલાડ

નશો કરવો હોય તો ઇશ્વરનો કરો
સતત નશાથી તબિયત એટલી ખરાબ થઇ હતી કે, હું ચાલી પણ શકતો ન હતો. હેમખેમ તબિયતમાં સુધારા બાદથી ઇશ્વરના નામે જીવન સમર્પિત કરી હવે શિવ આરાધના કરૂં છું. હાલ યુવાધન દારૂ, તંબાકુ, સિગારેટ સહિતના નશામાં બરબાદ થઇ રહ્યા છે. તેઓને સંદેશો છે કે નશો કરવું હોય તો ઇશ્વરનું કરો, મહેનતનું કરો, તમારી જીંદગીમાં ચોંકાવનારો બદલાવ જોવા મળશે. > ગજુ મહારાજ, ભીલાડ

અન્ય સમાચારો પણ છે...