જામીન નામંજૂર:રેંટલાવમાં મહિલાને જીવતી સળગાવી દેનાર આરોપીના જામીન નામંજૂર

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 વર્ષ અગાઉ ચોરીમાં પકડાવી દેતા અદાવતમાં હત્યા કરી હતી

ઉદવાડાના રેંટલાવમાં 11 વર્ષ અગાઉ એકલી રહેતી મહિલાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીને આખરે પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરી છે. 11 વર્ષ અગાઉ રેંટલાવના હનુમાન મંદિર નજીક આવેલી સતિશભાઇની ચાલીમાં રહેતી 24 વર્ષીય રૂપાબેન માહ્યાવંશીની બે ઇસમોએ રાત્રિના સુમારે રૂમમાં પ્રવેશીને પીડિતાના શરીરે કેરોસીન છાંટી આગ લગાડીને ફરાર થઇ ગયા હતા. પડોશી દોડી આવીને રૂપાબેનને બચાવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે પારડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા વાપીના છીરીગામે રહેતા આરોપી નિશાર કરમ હુસેન ખાન અને શૈલેશ નામક ઇસમ 15નવેમ્બર 2011ની રાત્રિએ રૂપાની રૂમ ઉપર પહોંચીને હત્યાના ઇરાદે કેરોસીન છાંટીને જીવતી સળગાવી ભાગી ગયા હતા. રૂપા વાપીના એક બ્યુટિપાર્લરમાં નોકરી કરતી હતી એ દરમિયાન આરોપી નિશાર અને શૈલેશ સાથે મિત્રતા થઇ હતી.

રૂપાને જીવતી સળગાવ્યા બાદ બંને આરોપી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ વલસાડ સિવિલમાં પીડિતા રૂપાબેનનું મોત થયું હતું. આ કેસમાં પારડી પોલીસે હત્યાનો ગુનો ઉમેરીને તપાસ હાથ ધરી હતી. જોકે, આરોપી પકડાયા ન હતા. આખરે 11 વર્ષથી નાસતા ફરતા આરોપી નિશાર કરમ હુસેન ખાનની 20 સપ્ટેમ્બરના રોજ પારડી પોલીસે ધરપકડ કરી હતી. પારડી પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.

આરોપી નિશાર ખાને જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી વાપીનાં એડિશનલ સેશન્સ જજ કે જે મોદીએ નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી 11 વર્ષથી નાસતો ફરતો હતો. આખરે પારડી પોલીસે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...