વાપી નજીક નાની તંબાડીમાં જૂની અદાવતમાં યુવકના માથા ઉપર દાંતરડાથી હુમલો કરાયો હતો. જેમાં વચ્ચે પડેલી તેની માતાને પણ ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ડુંગરા પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
વાપી નજીક નાની તંબાડી ખાતે ભાટડા ફળિયામાં રહેતા સંજય ધીરૂભાઇ ધો.પટેલ મંગળવારે બનેવીની દાદરા ખાતે આવેલ કરિયાણાની દુકાનથી પરત ઘરે આવ્યા હતા. તે બાદ ફળિયામાં મુકેલ બાકડા પાસે મિત્રો સાથે બેસી જમવા માટે ઘરે જતી વખતે આરોપી મયુર વિકેશ પટેલ બાઇક લઇને તેની પાસે આવ્યો હતો અને આપણી જુની અદાવતના કારણે તમારે મને મારવો હોય તો મારી લો કહેતા સંજયે તેને જણાવેલ કે, આપણી વચ્ચે કોઇ ઝઘડો નથી.
ઘરે પહોંચતા સંજયે જોયેલ કે, આરોપી મયુર ત્યાં તેની ગાડી જોર જોરમાં રેસ કરી રહ્યો હતો અને માતા મમ્મી દેવીબેનને ગમેતેમ અપશબ્દો બોલી ગાળો આપી રહ્યો હતો. ત્યારે આરોપી વિકેશ છોટુ પટેલ અને મેહુલ ચંદુ પટેલ પણ ત્યાં આવી ગાળો આપવા લાગતા તે માટે ફરિયાદીએ તેઓને ના પાડી હતી. જેથી મયુરે સંજયને દાંતરડાથી માથાના ભાગે માર મારતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ વચ્ચે છોડાવવા પડેલી માતાને પણ ધક્કો મારી પાડી દેતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયેલા ત્રણેય ઇસમ સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂની અદાવતને લઇ માતા અને પુત્ર ઉપર હુમલો કરી ફરાર થનારા આરોપીઓ માથાભારે ઇસમ હોય તાત્કાલિક તેઓની ધરપકડ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માગ ફરિયાદીએ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.