હુમલો:નાની તંબાડીમાં જમીનમાં તારખૂંટા કરતા 4 ઉપર હુમલો

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટર અને જમીન માલિકને તમાચો મારતા FIR

વાપીના નાની તંબાડી ગામે જમીનમાં તારખૂંટા કરતી વખતે ગામના 4 ઇસમો ત્યાં આવી પહોંચ્યા હતા. તારખૂંટા કરતા કોન્ટ્રાક્ટર અને જમીન માલિકને તમાચો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસને જાણ કરાઇ હતી. ડુંગરા પોલીસની ટીમ સ્થળે પહોંચતા જ તમામ ઇસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

વાપી નજીક નાની તંબાડી ખાતે માહ્યાવંશી ફળિયામાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સિરાજ અરવિંદભાઇ પટેલે સોમવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, સોમવારે સવારે તંબાડી ખાતે રહેતા પ્રફુલભાઇ વિષ્ણુભાઇ ઠોસરની જમીનમાં તારખૂંટા કરવા કોન્ટ્રાક્ટ હોય શૈલેષ રમણ પટેલ, સુનિલ કીકુ આહીર, સુરેશ શાંતુ પટેલ અને માલિક પ્રફુલભાઇની હાજરીમાં તારખૂંટાનું કામ ચાલુ કરવા જતા નાની તંબાડીના જાડા ફળિયા ખાતે રહેતા રાકેશ નટુ પટેલ, ચંદ્રસિંહ ઉર્ફે ભાયલુ ચંદ્રકાંત પટેલ, ચંદ્રઉદય ઉર્ફે ટાલુ ચંદ્રકાંત પટેલ અને દીપીલ માવજી પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ જમીનમાં તારખૂંટા કેમ કરો છો કહી ગાળો આપી રાકેશ તથા ચંદ્રઉદયએ ફરિયાદીને ગાલ પર તમાચો મારી પકડી રાખેલ અને ત્યારબાદ સુરેશભાઇને ચંદ્રઉદયે ધક્કાધુક્કી કરી જમીન માલિક પ્રફુલને તમાચો મારી દીધા બાદ તમામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને અંગે ડુંગરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસની ગાડી જોઇ તમામ આરોપીઓ સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા. કોન્ટ્રાક્ટરે ચારેય ઇસમો સામે પોલીસ ફરિયાદ કરતા તેઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...