વિકાસ કાર્યોમાંં ભેદભાવ:વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં 44 સભ્યોને સરખી ગ્રાન્ટ ફાળવો, એક સ્થળે જ બહુમતિના જોરે કામ ન કરો: વિપક્ષ

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુગર્ભ ગટરમાં ખર્ચ સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો,જે ટાઇપ પર બ્રિજ- અતુલ સોસાયટી પાસે નવા અંડરબ્રિજની કામગીરી ચાલુ થશે

વાપી પાલિકાની શનિવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતાએ 11 વોર્ડમાં 44 સભ્યોને એક સરખી ગ્રાન્ટ ફાળવવા તથા એક સ્થળે જ બહુમતિના જાેરે કામ ન કરવા જણાવ્યું હતું.જેની સામે પાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં કામ થઇ રહ્યાં છે. આ આક્ષેપો ખોટા છે. સભામાં જે ટાઇપ બ્રિજ અને અતુલ સોસાયટી આગળ અંડરબ્રિજના પ્રોજેક્ટની કામગીરી ઝડપથી ચાલુ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે ભાજપના એક પણ સભ્યએ સામાન્ય સભામાં રજૂઆત કરી ન હતી.

વાપી પાલિકાના સભાખંડમાં શનિવારે સવારે 11.30 કલાકે પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. સભાની શરૂઆતમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવાના મુદે વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની કામગીરીમાં પાલિકા શા માટે ખર્ચ કરે છે ? 69 લાખનો ખર્ચ દર્શાવામાં આવ્યો છે. જેના જવાબમાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે આ ખર્ચનું રિફંડ પુરેપુરી મળી જશે. જે પહેલા પાલિકાએ ખર્ચ કરવાનો છે. વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલ સ્વભંડોળમાંથી કામો થતાં નથી.

તો પછી સરકારની ગ્રાન્ટ પરત કેમ ગઇ ?આ મુદે પાલિકાના એકાઉન્ટન્ટ રીતેશભાઇએ જણાવ્યું હતું કે સિંગલ વિન્ડો સિસ્ટમના કારણે સરકારે તમામ પાલિકામાંથી ગ્રાન્ટ પરત લીધી છે. આજ ગ્રાન્ટ ફરી જમા થશે. ટેકનિકલ પ્રશ્ર છે. વિપક્ષના નેતાએ શાસકોને તમામ વોર્ડમાં એક સરખા કામો ફાળવવા અંગેની ટકોર કરી હતી. ઉપપ્રમુખ અભય નહારે જણાવ્યું હતું કે જે ટાઇપ પર ફલાય ઓવરબ્રિજ અને અતુલ સોસાયટી પાસે અંડરબ્રિજના પ્રોજેક્ટની કામગીરી થોડા સમયમાં ચાલુ થશે. નાણામંત્રી કનુભાઇ દેસાઇના પ્રયાસોના કારણે અનેક કામોને મંજુરી મ‌ળી છે. નામધા અને ચલા ખનકીને પણ મંજુરી મળી છે. ટાઉનમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શનિવારથી શરૂ થશે. બાકી વિસ્તારનો પણ સમાવેશ કરાશે.

વાપીને સિંગાપુર બનાવવા શાસક-વિપક્ષે એક બીજાને સંભળાવ્યું
સભામાં વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલે વાપીને સિંગાપુર બનાવવા અંગેની રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય નહાર,કારોબારી મિતેશ દેસાઇએ તબક્કાવાર વિકાસના કામો જણાવી વાપીને સિંગાપુર બનાવાના સ્ટેપ શરૂ થઇ ગયા હોવાના જવાબ આપતાં સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. સભામાં ચાર વખત વાપીને સિંગાપુર બનાવવા અંગે શાસક અને વિપક્ષ વચ્ચે પ્રશ્નોતરી જોવા મળી હતી.

વાપીમાં ટ્રાફિકનો પ્રશ્ર ઉકેલવા ખાનગી પ્લોટ ભાડે લેવાશે
સભામાં પાર્કિંગ પોલીસી અંગે ચર્ચા થઇ હતી. જેમાં ટાઉન પ્લાનર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે જિલ્લા રોડ સેફટી કાઉન્સિલમાં કલેકટરને મ‌ળેલી સૂચના મુજબ પાર્કિંગ પોલીસી તૈયાર કરવામાં આવશે. જેમાં સરકારી અને ખાનગી પ્લોટ પર વાહનોના પાર્કિંગ કરાશે. ખાનગી માલિકો પાસેથી પ્લોટ ભાડે લેવામાં આવશે. સમગ્ર શહેરનો સરવે કરાશે. આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ થશે. જયારે વાપી પાલિકા કચેરી આગળ પોલીસે પકડેલા વાહનો દુર કરવાનો પ્રશ્ર પણ ઉઠયો હતો.

પાલિકા વિસ્તારમાં કુવાઓે રિચાર્જ કરાશે
ચીફ ઓફિસર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારના પરિપત્ર મુજબ પાલિકા વિસ્તારમાં આવેલાં સરકારી, ખાનગી કુવાઓનો સરવે કરવામાં આવશે. જયાં જયાં પણ કુવાઓ છે તેની માહિતી એકત્ર કરાશે. આ કુવાઓને રિચાર્જ કરાશે. વરસાદી પાણીનો સંગ્રહ થશે. જયારે વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલે જણાવ્યું હતું કે રોડ કે અન્ય કોઇ પણ પ્રકારના પ્રોજેક્ટની કામગીરીમાં પાલિકાના કર્મચારીઓ હાજર રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...