ઐતિહાસિક દિન:આઝાદીના વર્ષો પછી જિલ્લામાંથી એક સાથે બે મંત્રી બન્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કનુભાઇ દેસાઇ, કેબિનેટ મંત્રી
જીતુભાઇ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી - Divya Bhaskar
કનુભાઇ દેસાઇ, કેબિનેટ મંત્રી જીતુભાઇ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી
  • કનુભાઇ દેસાઇને બીજી ટર્મનો ફાયદો, જીતુ ચૌધરી 10 માસમાં જ મંત્રી

વલસાડ જિલ્લામાંથી કોને મંત્રી બનાવશે તેની આતુરતા વચ્ચે ગુરૂવારે આખરે પારડી અને કપરાડાના ધારાસભ્યએ મંત્રીપદના શપથ લેતાં તમામ અટકળોનો અંત આવ્યો હતો. આઝાદી પછી સૌ પ્રથમ વખત એકી સાથે જિલ્લાના બે ધારાસભ્યોને મંત્રી બનાવામાં આવ્યાં છે.

પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇને કેબિનેટ મંત્રી(નાણા,ઉર્જા,પેટ્રોકેમિકલ્સ) તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને રાજયકક્ષાના મંત્રી (કલ્પસર અને મત્સ્યોદ્યોગ ,નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠો) તરીકે શપથ લીધા હતાં. ખાસ કરીને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દોઢ વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવી મંત્રી સુધી પહોંચ્યા છે.

જયારે પારડી ધારાસભ્યની બીજી ટર્મ તથા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખપદના લાંબા ગાળાના અનુભવના કારણે કેબિનેટ મંત્રી બનાવાયા છે. આમ વલસાડ જિલ્લામાં લાંબા સમય બાદ ધારાસભ્યો મંત્રી બનતાં લોકોના કામો જલ્દી થાય તેવી અપેક્ષાઓ પણ વધશે.

ટિકિટની ચર્ચા વચ્ચે કેબિનેટમાં સ્થાન મળ્યું
છેલ્લા થોડા સમયથી પ્રદેશ ભાજપ માળખામાં ફેરફાર બાદ જિલ્લામાં કેટલાક નેતાઓ એવું કહેતા હતા કે પારડી ધારાસભ્યને ફરી ટિકિટ મળશે નહિ. નવા ચેહરાના નામો પણ ફરતા થયા હતા,પરંતુ ગુરૂવારે સંપૂર્ણ સ્થિતિ બદલાઇ ચુકી છે. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇને કેબિનેટ મંત્રી બનાવાની સાથે રાજયના મોટા વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.જેથી રાજકારણમાં સમય કયારે બદલાઇ તે કહી શકાય નહિ તે સાચુ ઠરી રહ્યું છે. તેવી રીતે જીતુભાઇ ચૌધરી મંત્રી બનશે તેવું પણ કોઇએ વિચાર્યુ ન હતું.

જિલ્લામાંથી બે મંત્રીઓ બનાવવાના કારણો
વલસાડ જિલ્લામાંથી પાંચેય બેઠકો ભાજપે કબજે કરી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો તથા ગ્રામ પંચાયતો પર ભાજપનો કબજો કર્યો છે.આગામી ચૂંટણીમાં ફરી પાંચેય બેઠકો ભાજપે કબજે કરવા બે ધારાસભ્યોને મંત્રી બનાવાયા છે. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખપદે રહી ચુકયા હોવાથી સરકાર અને સંગઠનનો અનુભવ ધરાવે છે. જયારે જીતુ ચૌધરી પારડી,કપરાડા અને ધરમપુર સહિતના આદિવાસી પટ્ટામાં મજબુત નેતા તરીકે માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...