ફરી સ્કૂલો ધમધમશે:21 દિવસના દિવાળી વેકેશન બાદ જિલ્લાની શાળાઓમાં 10 નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 9 થી 12ની દ્વિતીય કે પ્રિલિમ પરીક્ષા 27 જાન્યુ.થી

વાપી સહિત વલસાડ જિલ્લાની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશન બાદ 10 નવેમ્બરને ગુરૂવારથી બીજા સત્રનો શાળાઓમાં આરંભ થશે.ગત 20 ઓક્ટોબરને ગુરવારથી દિવાળી વેકેશનનો આરંભ થયો હતો. શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન હવે 9 નવેમ્બરે પૂર્ણ થશે. 10 નવેમ્બરથી ધો.1 થી ધો.12ની તમામ શાળાઓમાં એક સમાન રીતે દ્વિતીય શૈક્ષણિક સત્રનો આરંભ થશે.બીજા સત્રમાં ધો.9 થી 12ની દ્વિતીય કે પ્રિલિમ પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.

જ્યારે ધો.9 માટે શોધ કસોટી 7 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્ર વધુ અગત્યનું હોય છે. ધો.3થી ધો.12 જેમાં વિદ્યાર્થીઓની શાળાઓમાં પરીક્ષા લેવામાં આવે છે. ખાનગી શાળાઓમાં તો ધો. 1 અને ધો.2માં પણ પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ શૈક્ષણિક સત્રમાં કાર્યના કુલ દિવસો 104 અને રજાના દિવસો 21 હતા. જ્યારે હવે બીજા સત્રમાં શિક્ષણ કાર્યના 137 દિવસો છે અને રજાના દિવસો 35 છે. જાે કે કેટલીક સીબીએસઇ સ્કૂલોમાં સોમવારથી બીજા સત્રનો પ્રારંભ થયો હતો. નાના ભુલકાઓ સ્કૂલમાં જતા સોમવારે જોવા મળ્યા હતાં.

બદલી થતા શિક્ષણાધિકારીનો ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપાયો
વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાની બદલી ભરૂચ ખાતે કરવામાં આવી છે. જયારે ભરૂચના શિક્ષણ અધિકારી મહેતાની બદલી વલસાડ ખાતે કરવામાં આવી છએ, પરંતુ ભરૂચના શિક્ષણ અધિકારી મહેતાને બઢતી મળી છે. જેથી હાલ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.બી.બારિયાને સોંપવામાં આવ્યો છે. બંને ચાર્જ હાલ એક જ અધિકારી પાસે છે.

અન્ય સમાચારો પણ છે...