મન્ડે પોઝિટિવ:30 વર્ષ પછી દમણગંગા સુગર ખેડૂતો માટે ફરી શરૂ થશે

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 123 કરોડથી વધુના ખર્ચે સુગર ફેકટરીને ધબકતી કરવાના પ્રયાસો તેજ, નાણામંત્રી સાથેની બેઠક બાદ મળેલી મિટીંગમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા

ભિલાડ ખાતે 30 વર્ષથી 130 એકરમાં પથરાયેલી શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીને કાર્યરત કરવાના અત્યાર સુધીમાં અનેક પ્રયાસો થયા છે,પરંતુ સફળતા મળી ન હતી. હાલ દમણગંગા સુગર ફેકટરીના ડિરેકટરોએ નાણામંત્રી અને અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી બંધ પડેલી દમણગંગા સુગરને ખેડૂતો માટે કાર્યરત કરવાના પ્રયાસો તેજ થયાં છે.

30 વર્ષ પહેલાં વલસાડમાં શેરડીનું મબલખ ઉત્પાદન થતું હતું. જે માટે વલસાડમાં વલસાડ સુગર અને નવસારીમાં ગણદેવી સુગર ફેકટ્રી કાર્યરત કરાઈ હતી. આ સમયે ભિલાડમાં પણ 130 એકરની કરોડોની જમીન પર શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની સ્થાપના કરી કરોડો રૂપિયાના ખર્ચે ફેકટ્રીરીનો શેડ તૈયાર કરાયો, મંડળીમાં ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરો સહિતનું બોર્ડ કાર્યરત થયુ હતું. પરંતુ બેન્કે લોન માટે સહકાર ન આપતાં 30 વર્ષ બાદ પણ દમણગંગા સુગર ફેકટ્રીમાં શેરડીનું પિલાણ શરૂ કરવાનું શક્ય બન્યું ન હતું.

તાજેતરમાં આ બોર્ડની વાર્ષિક સભા મળી હતી. જેમાં દમણગંગા સુગર કંપનીના હોદ્દેદારો હર્ષદભાઈ કટારીયા,રમણભાઈ પાટકર બકુલભાઈ શાહ ખુશરુભાઈ રસિક રાવલ કમલેશભાઈ વગેરેની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભામાં 100 કરોડના ખર્ચે ઇથેનોલ અને સુગર ઉત્પાદન માટે કંપનીને કાર્યરત કરવા રાજ્ય સરકાર તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવી 10 ટકા જેટલી રકમ સભાસદો પાસેથી એકત્રિત કરી આગામી એક વર્ષના સમયગાળા દરમ્યાન નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉપસ્થિત સૌ સભાસદોને સહકાર આપવા જણાવ્યું હતું. જેથી 30 વર્ષ બાદ ખેડૂતો માટે દમણગંગા સુગરફેકટરી કાર્યરત કરવામાં આવશે.

આ રીતે પ્રક્રિયા હાથ ધરાશે
માજી મંત્રી અને ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આશરે ૩૦ કરોડ રૂપિયાની જોગવાઈ આગામી બજેટમાં કરવા ખાતરી આપી છે. 67 કરોડ રૂપિયાની રકમનું ધિરાણ અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થવાનું હોય અને ટૂંક સમયમાં દમણગંગા સુગર કંપની કાર્યરત થશે. 10 ટકા રકમ એકત્રિત કરવા આદિજાતિ વિભાગ તેમજ સભાસદોના સહકારથી લક્ષ્યાંક પૂર્ણ થશે

દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં હાલ 19303 સભાસદો છે
દમણગંગા સુગર ફેક્ટ્રરીમાં કુલ 19,303 સભાસદોનું 4,44,79,255 રૂપિયાનું શેરભંડોળ છે. અગાઉ સરકાર દ્વારા 111 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. હવે કુલ 123 કરોડથી વધુના ખર્ચે ફરી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીને શરૂ કરવામાં આવશે.

અગાઉ કેમ સફળતા મળી ન હતી
દમણગંગા સુગર ફેકટરીની જમીન હાઇ‌વે ટચ અને વાપીની નજીક આવેલી હોવાથી ખુબ મહત્વની મિલકત ગણવામાં આવે છે, પરંતુ જે-તે સમયે કેટલીક બેન્કોએ મંજુર કર્યા બાદ ધિરાણ આપ્યુ ન હતું. મશીનરી લાવવામાં આવ્યા બાદ તેમનો ઉપયોગ થઇ શક્યો નહિ. જેના કારણે આ પ્રોજેકટનું બાળમરણ થયુ હતું.

વર્ષો પછી હવે સફળતા મળશે કે નહિ તેના પર સૌની મીટ મંડાઇ
તાજેતરમાં નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીને કાર્યરત કરવાના પ્રયાસો ચાલી રહી છે. આ બજેટમાં નાણાની જાગેવાઇ કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. જેથી હવે આ પ્રોજેકટને કેટલી સફળતા મળશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. હાલ સફળતા મળશે તેવું સરકારના જનપ્રતિનિધિઓ જણાવી રહ્યા છે. ખેડૂતોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...