પાણીનું શુદ્ધીકરણ:2 વર્ષના વિરોધ બાદ વાપી ચંડોરમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ-2નું કામ પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 MLDના 40 કરોડના પ્રોજેકટથી બાકી રહેલા વોર્ડનું પાણી અહી શુદ્ધીકરણ કરવામાં આવશે

વાપી પાલિકાના જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી બે વર્ષથી ચંડોરના સ્થાનિકોના વિરોધના કારણે અટવાઇ હતી,પરંતુ ગુરૂવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વાપી પાલિકાની ટીમે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. 22 એમએલડીના 40 કરોડના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણથી બાકી રહેલા વોર્ડના ડોમેસ્ટીક પાણીનું શુદ્ધીકરણ થશે. ચંડોરના ગ્રામજનો અગાઉ અનેક વખત વિરોધ કર્યો હતો.જેના કારણે સમગ્ર પ્રોજેકટ ઘોંચમાં પડ્યો હતો.

વાપી શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાના પ્રોજેકટમાં બે સ્થળોએ સુએઝ ટ્રીટમેન્ટનું તૈયાર કરવાનું આયોજન કરાયુ હતું. જેમાં રોફેલ કોલેજ પર થોડા મહિનાથી પ્રથમ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થઇ ચુક્યો છે. જયારે બીજા પ્લાન્ટ માટે ચંડોરમાં જગ્યાની સરકારે ફાળવણી કરી હતી, પરંતુ છેલ્લા અઢી વર્ષથી સ્થાનિકો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા હતા.

પરંતુ છેલ્લા એક મહિનાથી પાલિકા,જીયુડીસી અને સંબંધિત વિભાગે સંકલન કરી ચંડોરમાં એસટીપી પ્લાન્ટનું કામ ચાલુ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં.ગુરૂવારે સવારે વાપી પાલિકા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા બેથી અઢી વર્ષથી ચાલતાં વિરોધ વચ્ચે પાલિકાને હાલ મોટી રાહત મળી છે. 22 એમએલડીના 40 કરોડના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણથી બાકી રહેલા વોર્ડના ડોમેસ્ટીક પાણીનું શુદ્ધીકરણ થશે.

હાઇવેની અનેક સોસાયટી માટે ઉપયોગી
પાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર સંજય ઝાએ જણાવ્યું હતું કે પ્રથમ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અનેક વોર્ડનો સમાવેશ થાય છે. ચંડોરના પ્લાન્ટ-2ના એસટીપીથી હાઇવે પરની ગોકુળ વિહાર તથા આજુબાજુ વિસ્તારની સોસાયટીના ડોમેસ્ટીક પાણીનું શુદ્ધીકરણ થશે. ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે પ્રયાસો ચાલી રહ્યાં છે.જીયુડીસી સંચાલિત આ સમગ્ર પ્રોજેકટ છે.

સ્થાનિકોના વિરોધને પોલીસે થાળે પાડ્યો
ગુરૂવારે સવારે સ્થળ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિરોધ માટે કેટલાક સ્થાનિક આવ્યા હતા, પરંતુ પાલિકાએ અગાઉથી જ પોલીસ બંદોબસ્ત માંગી લીધો હતો.પોલીસના અધિકારીઓએ સ્થાનિકોને સમજાવી મામલો થાળે પાડી દીધો હતો. જો કે હવે કેટલા સમયમાં આ પ્રોજેકટ પૂર્ણ થાય છે તેના પર સૌની નજર છે. પાલિકાના પદાધિકારીઓ માટે આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો પડકાર રહેશે. કારણ કે અગાઉ અનેક વખત આ પ્રોજેકટોમાં બબાલો થઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...