વાપીની સેકન્ડ એડિશનલ સેસન્સ કોર્ટે સોમવારે વાપીમાં થયેલા હત્યાના બે બનાવમાં આરોપીને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સાથે જ ભોગ બનનાર પરિવારને થયેલા નુકશાનીની ભરપાઇ માટે જિલ્લા કાનૂની સહાય સત્તા મંડળને ભલામણ પત્ર પણ મોકલી આપવામાં આવ્યો છે.
ચલામાં ચાર વર્ષ અગાઉ મહિલાએ 500 રૂપિયા ન આપતા તેમના પતિને પડોશમાં રહેતા યુવકે ચાકુ અને લાકડાંથી હુમલો કરતા મોત થયું હતું. જ્યારે વર્ષ 2016માં વાપી નજીકના કરવડગામે દારૂના અડ્ડાની અદાવતમાં બે મિત્ર વચ્ચે થયેલા ઝધડામાં એક યુવકને પેટના ભાગે ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ બંને કેસમાં વાપી ટાઉન અને ડુંગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
વાપીની સેકન્ડ એડશિનલ સેસન કોર્ટમાં હત્યાના આ બંને કેસની સુનાવણી ચાલી હતી. ફરિયાદ પક્ષે સરકારી વકીલ આર.એમ. ચાંપાનેરિયાએ કોર્ટમાં દલીલો કરી હતી. સાક્ષી અને પુરાવાના આધારે સેકન્ડ એડશિનલ સેસન જજ કે.જે. મોદીએ સોમવારે હત્યાના બંને કેસમાં આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને સાથે દંડ પણ ફટકાર્યો છે.
ચલામાં મહિલાએ 500 ન આપતા પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો
ચાર વર્ષ અગાઉ વાપી ચલા પ્રા.શાળા પાછળ મણીભાઇ ચાલીમાં રહેતો મોહમ્મદ તોહીતખાન અઝીસ ખાને બાજુના રૂમમાં રહેતા શીલાબેન અશોક કેવટ પાસે ઉધારીમાં 500 રૂ.માંગ્યા હતાં. મહિલાએ રૂપિયા આપવા ના પાડતા આરોપી તોહીતે તેના પતિ અશોક સાથે ઝગડો કરી ચાકુ મારી હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી પરિવારને લઇને ફરાર થઇ ગયો હતો.
પોલીસે આખરે આરોપી મોહંમદ તોહીદ ઉર્ફે તોહીત મોહંમદ અઝીઝખાન રહે. ચલા, હળપતિવાસ, પ્રાથમિક શાળાની પાછળ, મણીભાઇની ધરપકડ કરી હતી. આ ગુનામાં કસુરવાર ઠેરવીને આજીવન કેદ (જન્મટીપ)ની સજા તથા 2500 રૂપિયાનો દંડ ફટકારતી સજા સોમવારે કોર્ટૈ સંભળાવી છે.
કરવડમાં દારૂના અડ્ડા ચલાવવાના ઝઘડામાં મિત્રની હત્યા કરાઇ હતી
આરોપી મહમદ નશીમ ઉર્ફે ચિન્કુ મહમદ ઉમર ચૌધરી મૂળ રહે. કુશહાટા, ડુમરિયાગંજ, સિધ્ધાર્થનગર ઉત્તરપ્રદેશ વાપીના કરવડગામે સાંઇ આસ્થા મિત્ર એપાર્ટમેન્ટમાં રહેતા મિત્રની 14 ઓગસ્ટ, 2016ના રોજ ચાકુથી પેટના ભાગે ઉપરાછાપરી ધા કરીને હત્યા કરી હતી. આ કેસમાં ડુંગરા પોલીસે આરોપી આરોપી મહમદ નશીમ ઉર્ફે ચિન્કુ મહમદ ઉમર ચૌધરીની ધરપકડ કરી હતી.
આરોપી અને મૃતક બંને મિત્ર જ હોય દારૂનો અડ્ડો ખોલવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ અદાવતમાં આરોપીએ મિત્રની હત્યા કરી હતી. આ કેસમાં પણ કોર્ટે આરોપીને આજીવન કેદ સાથે 5 હજારનો દંડ ફટકાર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.