વાપીના ભડકમોરામાં પડાવમાં સૂતેલી વૃદ્ધાની હત્યામાં એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે. આરોપીને પડાવમાં સુવા માટે મૃતકના પૌત્રએ ના પાડતા અદાવત રાખી મોડી રાત્રે તેણે જ પૌત્ર સૂતેલો હશે તે સમજી વૃદ્ધાના માથે પત્થરથી માર મારી હત્યા કરી હતી. આરોપી બીલીમોરા અને મહારાષ્ટ્રમાં અગાઉ બે હત્યા કરી ચૂક્યો છે અને ફુ્ઇને માર મારી લૂંટ ચલાવી ફરાર થયો હતો.
વાપીના ભડકમોરા ખાતે પડાવમાં રહી લુહાર કામ કરતા મુળ મહારાષ્ટ્રના બુલડાના જિલ્લામાં રહેતા સતિષ વિષ્ણુ સોલંકે ગુરૂવારે રાત્રે પત્ની અને બાળકો સાથે જમી પરવારીને ઝુંપડામાં સુઇ ગયો હતો. ત્યારે તેમની કુટુંબી દાદી સુંદરબાઇ રઘુનાથ સોલંકે ઉ.વ.55 ઝુંપડા બહાર ખાટલા ઉપર સૂતેલી હતી. મોડી રાત્રે પોણા એક વાગે પત્ની આરતીએ સતિષને જગાડીને કહ્યું હતું કે, કુછ અવાજ આઇ હૈ. જેને લઇ દાદીમાં પાસે જઇને જોતા તેમના માથામાંથી લોહી નીકળતા જોવા મળ્યું હતું.
એમ્બ્યુલન્સને કોલ કરતા તબીબે સ્થળ ઉપર આવી દાદીમાને મૃત જાહેર કરતા બનાવ અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરાઇ હતી. વૃદ્ધાની હત્યાને લઇ પોલીસે 40થી વધુ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આરોપી વાપીથી મુંબઇ નીકળે તે પહેલા પોલીસના હાથે ઝડપાયો હતો.
આ કેસમાં એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામી અને સ્ટાફના આશીષ મયાભાઇ તથા પો.કો.કરમણ જયરામભાઇ નાઓને અંગત અને અતિ વિશ્વાસુ બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે, થોડા દિવસ અગાઉ થયેલ મર્ડરમાં શિવા પવાર રહે.ભડકમોરા નાની સુલપડનો હાથ છે. જે હાલમાં વાપી જીઆઇડીસી હાઇવે સ્થિત ખોડિયાર હોટેલ નજીક સર્વિસ રોડ પર ઉભો છે અને મુંબઇ તરફ જવાની ફિરાકમાં છે.
બાતમીના આધારે પીએસઆઇ પનારા તથા સ્ટાફના માણસોએ આરોપી પોપટ ઉર્ફે શીવા ઉર્ફે રાજુ ઉર્ફે મામા મહાદેવ પવાર જાતે.વડારી ઉ.વ.52 રહે.હાલ વાપી ભડકમોરા તળાવની નજીક મુકેશભાઇની ચાલીમાં મુળ પથ્થરની ખાણની બાજુમાં તા.તાજગાંવ જી.સાંગલી મહારાષ્ટ્ર ને સર્વિસ રોડ પરથી પકડી પાડી પૂછપરછ કરતા આઠેક દિવસ પહેલા રાત્રે વૃદ્ધાની હત્યા ભૂલમા કર્યા હોવાની કબૂલાત તેણે પોલીસ સમક્ષ કરી હતી.
પૌત્રએ ગાળો આપતા અદાવતમાં હત્યા કરાઇ
મૃતકના પૌત્ર સતિષ આરોપી પોપટને મા સમાન નાલાયક ગાળો આપી ઝુપડા પાસે ન બેસવા અવારનવાર ગાળો આપતો હતો. તે દિવસે ખાટલા ઉપર બેસી તેને ગાળો આપતા તેની અદાવત રાખી રાત્રે ઝુપડા પાસે જઇ ખાટલા ઉપર સુતો માણસ જે ઓઢીને સુઇ રહેલ હોય સતિષ સમજી મોટો પત્થર ઉપાડી માથાના ભાગે મારી ભાગી ગયા બાદ બીજા દિવસે તેને જાણ થઇ હતી કે, તે સતિષ નહી પરંતુ સ્ત્રી હતી અને પત્થર મારવાથી તેમનું મોત થયા હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી છે.
અગાઉ પણ રાત્રે જ હત્યા કરી ચૂક્યો છે
આરોપી પોપટ ઉર્ફે શીવા વર્ષ 2008માં બીલીમોરા તલોજ આમલી ફળિયા ખાતે રહેતા છગન રવજીભાઇ પટેલ સાથે પકડાયો હતો. તેની સાથે પણ બોલાચાલી બાદ અદાવત રાખી રાત્રે તેના માથાના ભાગે લાકડાથી ફટકા મારી હત્યા કરી હતી. તેમજ બીલીમોરા ખાતે પોતાની ફુઇ આત્યાબેન સાથે ઝઘડો થતા તેમને પણ માર મારી ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડાની લૂંટ ચલાવી હતી.
પુના મહારાષ્ટ્ર ખાતે કોરેગાંવ પાર્ક વોશીંગ સેન્ટરની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહી ટ્રેનમાં વિમલ પાન મસાલાનો છુટક વેચાણ કરતી વખતે સાથે વેપાર કરતો સોનુ કુશ્વાહ સાથે પૈસાની લેતી દેતીમાં બોલાચાલી બાદ રાત્રે તેના માથાના ભાગે સળિયાથી ફટકો મારી હત્યા કરી તે ફરાર થઇ ગયો હતો. યરવડા જેલ પુનાથી કોરોના મહામારીમાં 45 દિવસના પેરોલ ઉપર છૂટ્યા બાદ તે ફરી હાજર થયો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.