ફરિયાદ:ફોન ચોરીની અરજી કેમ ગુમ કરી કહી વાપીમાં યુવકનું માથું ફોડ્યું

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાડીમાં લઇ જઇ હાથ- પીઠમાં કરડતા પોલીસ ફરિયાદ

વાપીના મોટી સુલપડ ખાતે છોટુભાઇની ચાલીમાં રહેતા અમીતકુમારે ગુરૂવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તે ફર્સ્ટ ફેસ ખાતે આરતી કંપનીમાં ક્વોલિટી ચેક વિભાગમાં નોકરી કરે છે અને તેની સાથે વિક્રમકુમાર સિંહ નામનો ઇસમ પણ નોકરી કરે છે. માર્ચ માસમાં વિક્રમ એક વ્યક્તિ સાથે રૂમમાં રહેતો હતો. તેની સાથે ઝઘડો થતા તે વ્યક્તિ રૂમ ખાલી કરીને જતો રહ્યો હતો. ત્યારબાદ અમીતકુમાર વિક્રમ સાથે રહેવા લાગ્યો હતો. અગાઉ વિક્રમનો ફોન રૂમમાંથી ગાયબ થતા તેણે મોબાઇલ ચોરીની અરજી પોલીસમાં કરી હતી.

જે અરજી ન મળતા વિક્રમે અમીત ઉપર શંકા વ્યક્ત કરી અરજી પરત આપવા જણાવ્યું હતું. અમીતની ચકાસણી રૂમમાલિક દ્વારા કરાતા તેની પાસેથી કંઇ પણ મળ્યું ન હતું. જેને લઇ અમીત રૂમ ખાલી કરીને નરેશભાઇની ચાલીમાં રહેવા જતો રહ્યો હતો. ગુરૂવારે તે જ અદાવત રાખી અમીત સવારે જ્યારે કંપનીથી છૂટ્યો હતો ત્યારે વિક્રમ પાછળથી તેની પાસે આવ્યો હતો અને હેલ્મેટથી માથામાં માર્યા બાદ તેને પકડી મોટી સુલપડ સ્થિત જંગલ જેવી ઝાડીમાં ખેંચી ગયો હતો. જ્યાં તેના માથા ઉપર ઇંટથી માર માર્યા બાદ કાન, હાથ અને પીઠના ભાગે દાંતથી કરડી લેતા તેને ગંભીર ઇજા થતાં સારવાર લઈ ભોગ બનનારે ટાઉન પોલીસમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...