તપાસ શરૂ:કપરાડા તાલુકાના અંભેટીથી ગેરકાયદે સાગના લાકડાનો જથ્થો મળ્યો, તપાસ શરૂ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ ફોરેસ્ટ ખાતાને જાણ કરતા મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો

અંભેટી ગામે એક ખાલી જગ્યાએ બિનવારસી હાલતમાં સાગના લાકડાનો જથ્થો દેખાતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. બનાવ અંગે ફોરેસ્ટ ખાતાને જાણ કરાતા વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરાઇ હતી.

અંભેટી ખાતે સાદરવેડી ફળિયા સ્થિત એક ખાલી મેદાનમાં રવિવારે બિનવારસી હાલતમાં સાગના લાકડાનો મોટો જથ્થો ગ્રામજનોને દેખાતા તાત્કાલિક આ અંગે તેમણે ફોરેસ્ટ ખાતાને જાણ કરી હતી. જોકે નાનાપોંઢા ફોરેસ્ટ ખાતું મંગળવારે સ્થળ ઉપર પહોંચી હતી અને ત્રણથી ચાર ટેમ્પોમાં લાકડાનો જથ્થો ભરીને કચેરીએ લઇ ગઇ હતી.

આ જથ્થો ટનમાં હોવાથી તેની ગેરકાયદે હેરાફેરી થઇ રહી હશે તેવું મનાઇ રહ્યું છે. કોઇ અજાણ્યા ઇસમો દ્વારા આ જથ્થો ગામની ખાલી જગ્યામાં મૂકી ફરાર થઇ જતા હાલ ફોરેસ્ટ ખાતાએ આ મુદ્દામાલ ક્યાંથી ક્યાં લઇ જવાતો હતો તેની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન સાગના લાકડાઓનો મોટા પ્રમાણમાં ગેરકાયદે હેરાફેરી થાય છે. હવે જોવાનું રહ્યું કે, ખાતું આ કેસમાં આરોપીઓ સુધી પહોંચી શકશે કે કેમ.

મહારાષ્ટ્રથી પણ હેરાફેરી થાય છે
સાગના લાકડાની હેરાફેરીમાં આરોપીઓ મોટાપ્રમાણમાં મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે. ગુજરાતથી મહારાષ્ટ્ર તેમજ મહારાષ્ટ્રથી ગુજરાતમાં આ ગેરકાયદે સાગના લાકડાઓ ઠાલવવાનો કારસો વર્ષોથી ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...