હુમલો:બલીઠામાં વોકિંગ પર નીકળેલા 60 વર્ષીય વૃદ્ધના પેટમાં ચપ્પુ મારી બાઇકચાલક ફરાર

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીના નીકળતા રૂપિયા માંગવાથી ઇસમે હુમલો કરાવ્યો હોવાની પુત્રને શંકા

વાપીના છરવાડામાં રહેતા વૃદ્ધ રાત્રે વોકિંગ ઉપર નીકળ્યા હતા. ત્યારે બલીઠામાં સર્વિસ રોડ ઉપર એક અજાણ્યો બાઇક ચાલક ચાલુ ગાડીએ તેમને પેટના ભાગે ચપ્પુ મારી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેમના પુત્રએ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, છરવાડામાં રહેતા એક યુવક ઉપર તેમને આશંકા છે. તેની પાસેથી નીકળતા રૂપિયા માંગવાના કારણે તેણે જ કોઇ મારફતે આ હુમલો કરાવ્યો હશે.

વાપીના છરવાડા ખાતે ઓરચીડ ટાવરમાં રહેતા અને બલીઠા ખાતે પાણી ફિલ્ટરનો પ્લાન્ટ ચલાવતા નરેન્દ્ર ધરમસિંહ દામાએ બુધવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે તેમના 60 વર્ષીય પિતાજી ધરમસિંહ રાબેતા મુજબ ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન મોટા ભાઇ હરીશભાઇનો ફોન આવ્યો હતો અને તેમણએ જણાવેલ કે, રંગોલી હોટલની સામે મહીન્દ્રા શો-રૂમ પહેલા મુંબઇથી સુરત તરફ જતા હાઇવેના સર્વિસ રોડ ઉપર કોઇ અજાણ્યો બાઇક ચાલક પિતાજીને પેટમાં ચપ્પુ મારી ફરાર થઇ ગયો છે.

જેથી તેમને સારવાર માટે જીવનદીપ હોસ્પિટલમાં લઇ જાઉં છું. જે બાદ તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા પિતાજી સારવાર લઇ રહ્યા હતા અને તેમણે જણાવેલ કે, વોકિંગ કરતી વખતે પોણા અગ્યારેક વાગે સામેથી એક બાઇકચાલક ચાલુ ગાડીએ પેટમાં ડાબી સાઇડે ચપ્પુ મારી ફરાર થઇ ગયો હતો. પુત્ર નરેન્દ્રએ પોલીસ ફરિયાદમાં આશંકા વ્યક્ત કરી જણાવેલ છે કે, છરવાડામાં રહેતા રીન્કુ જાયસ્વાલ પાસે ફિલ્ટર પાણીના નીકળતા રૂ.70 હજારની માંગણી કરતા હોય તેણે જ કોઇના મારફતે પિતાજી ઉપર હુમલો કરાવ્યા હોવાની આશંકા છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...