વેરા વસૂલાત:વાપીમાં વેરો ન ભરતાં 8 ઓફિસ- 1 ગેરેજ સિલ, બે ચાલીના નળ જોડાણ કપાયા

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ માસમાં રૂ.1.23 કરોડ સાથે કુલ રૂ.15 કરોડથી વધુની વસૂલાત

વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અભિયાનને વેગ આપવા બાકીદારોની 8 ઓફિસ તથા 1 ગેરેજ સિલ કરાયુ હતું. સુલપડની બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્યા હતા.જેને લઇ બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો. માર્ચના અંત સુધી વેરા વસુલાત અભિયાન તેજ ચાલશે.

ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્સ્પેકટર દીપક ચભાડીયા તથા ક્લાર્ક શશીકાંતની ટીમે વાપીના પૃથ્વી કોર્નરમાં 1, સાઈ કોમ્પલેક્સમાં 2, હીના આર્કેડમાં 2, અનમોલ ટાવરમાં 2, શોપર્સ સ્ટોપમાં 1 ઓફિસ મળી કુલ 8 ઓફિસ તથા અમલ કોમ્પ્લેક્ષમાં 1ગેરેજને સિલ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નોટિસ આપવા છતાં વેરો ન ભરનાર સુલપડ વિસ્તારની બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્યા હતા. વેરા વિભાગે હાલમાં ચલાની આઠ સોસાયટીના ઘણા ફ્લેટ માલિકોને ત્રણ દિવસમાં બાકી વેરો ભરી જવાની નોટિસ આપી વેરો ન ભરાય તો નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરાશે. વાપી પાલિકાએ રૂ.17.26 કરોડના માંગણા સામે અત્યાર સુધીમાં રૂ.15.07 કરોડ વસૂલાત કરી 87.32 ટકા રીકવરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...