ચીનમાં કોરોનાના કેસ વધતા બુસ્ટર ડોઝની ડિમાન્ડ વધી:રસીનો જથ્થો ગાંધીનગરથી ન આવતાં 7.64 લાખ લોકો બુસ્ટર ડોઝથી વંચિત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 થી 59 વર્ષના હજારો લોકોના કોવિશિલ્ડના બુસ્ટર ડોઝ માટે આંટાફેરા, કોરોના લહેરની આંશકા વચ્ચે રસી ન મળતા નિરાશા

ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસો વધતાં હવે બુસ્ટર ડોઝ લેવા લોકો સરકારી હોસ્પિટલોમાં આંટાફેરા કરી રહ્યાં છે, પરંતુ વાપી,પારડી સહિત વલસાડ જિલ્લાની સરકારી સીએચસી,અર્બન હેલ્થ સેન્ટર અને પીએચસીમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ન હોવાથી લોકોએ પરત ફરવું પડે છે.વલસાડ જિલ્લામાં 18 થી 59 ‌વર્ષની ઉંમર ધરાવતાં 764482 લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી.

ફરી કોરોનાએ માથું ઉચકતાં બુસ્ટર ડોઝ માટે લોકો દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓના મતે ગુજરાતમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો પ્રમાણમાં નથી.ગાંધનગરથી જ વેક્સિનનો જથ્થો આવ્યો નથી. જેને આવતાં થોડા દિવસો લાગશે. જેના કારણે લોકો પરત જઇ રહ્યાં છે. એક તરફ કોરનાની સંભવિત લહેરની સંભાવના છે.

ત્યારે લોકોએ બુસ્ટર ડોઝ માટે રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ખાસ કરીને કોવિશિલ્ડ વેક્સિનના બુસ્ટર ડોઝ માટે લોકોએ ધક્કા ખાવા પડી રહ્યા છે. ચીન ,જાપાન,અમેરિકા સહિતના દેશોમાં ફરી કોરોનાના કેસો આવી રહ્યાં છે. જેને લઇ બુસ્ટર ડોઝથી વંચિત લોકો હવે વેક્સિન માટે આંટાફેરા કરી રહ્યાં છે. ગાંધીનગર ખાતે કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ દરેક જિલ્લામાં વેક્સિનનો જથ્થો પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં ઝડપથી વેક્સિનનો જથ્થો લોકોને મ‌ળી રહે તે ખુબ જરૂરી છે.

કોરોનાની અસર પૂર્ણ થતા લોકો પણ બુસ્ટર ડોઝ ભૂલી ગયા હતા જે હવે ફરી યાદ આવી
જિલ્લામાં 386201 લોકોએ બુસ્ટર ડોઝ લીધો

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 386201 લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લઇ લીધો છે. હજુ 18 થી 59 ‌વર્ષની ઉમંર ધરાવતાં 764482 લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી.આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે કોવેક્સિનના 2290 ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. કોવિશિલ્ડ લેનાર લોકો બુસ્ટર ડોઝ માટે કોવેક્સિન લઇ શકે છે, પરંતુ લોકો આ માટે તૈયાર થતાં નથી. પરિણામે કોવિશિલ્ડ વેક્સિનની રાહ જોવામાં આવી રહી છે.

શુક્રવાર સુધીમાં વેક્સિન આવવાનો દાવો
જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓના મતે વેક્સિન માટે ગાંધીનગર સુધી રજૂઆતો થઇ છે. રોજ રિપોર્ટ મોકલવામાં આવે છે. ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ શુક્રવાર સુધીમાં વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ થશે એવી ખાતરી આપી છે. જેથી આવતાં અઠવાડિયાથી બુસ્ટર ડોઝની કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે.

ગુજરાત સહિતના રાજયોમાં વેક્સિનની અછત છે
વલસાડ જિલ્લામાં કોવેક્સિનનો જથ્થો છે,કોવિશિલ્ડના 340 ડોઝ છે, ગુજરાત સહિતના રાજયોમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ઓછો છે. ગાંધીનગરમાં આ અંગે બેઠક પણ થઇ છે. શુક્રવાર સુધીમાં વલસાડ જિલ્લામાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો આવી જશે. દરેક સેન્ટર પર બુસ્ટર ડોઝ મળતાં ન હોવાની વાત ખોટી છે. કોવિશિલ્ડ લેનારા બુસ્ટર ડોઝમાં કોવેક્સિન મુકાવી શકે છે. > ડો. એ.કે. સિંગ, પ્રોગ્રામ ઓફિસર, વલસાડ આરોગ્ય વિભાગ

અન્ય સમાચારો પણ છે...