સુવિધા વધશે:વાપી તાલુકાના વટાર ગામમાં  66 કે.વી. નવા સબસ્ટેશનથી 3732 વીજ ગ્રાહકોને રાહત થશે

વાપી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31.05 કરોડના ખર્ચે બનનારા સબસ્ટેશનની કામગીરી ઉર્જામંત્રીની હાજરીમાં શરૂ

વાપી તાલુકાના વટાર ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા અંદાજિત રૂ.31.5 કરોડના ખર્ચે બનનારા 66 કે.વી. નવા સબ સ્ટેશનનું ખાતમુર્હુત ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. 66 કે. વી. વટાર સબસ્ટેશનના પ્રસ્થાપનથી સબસ્ટેશનના 8 કિલોમીટર વિસ્તારનાં વટાર, કુંતા, તરકપારડી, મોરાઈ તથા આજુબાજુના અનેક વિસ્તારોના 3387 રહેણાક, 173 વાણિજ્ય, 14 ઔધોગિક, 41 વોટર વર્કસ, 14 સ્ટ્રીટ લાઈટ, 94 ખેતીવિષયક અને 17 અન્ય મળી કુલ 3732 વિજગ્રાહકોને પૂરતા દબાણની વિજળીનો લાભ મળશે.

સબસ્ટેશનના ભૂમિપૂજન વેળાએ કેબિનેટ મંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને સરખી વિજળી મળી રહે એ માટે આ સબસ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આવતા ચોમાસા સુધી આ સબસ્ટેશનને કાર્યરત કરવાનો પ્રયત્ન રહેશે એવી ખાતરી આપું છું. પહેલા ગુજરાતમાં 1700 મેગાવોટ વીજવપરાશ થતો હતો જે હવે તે વધીને 2200 મેગાવોટ થયો છે જે ગુજરાતના ઔધોગિક, ખેતીવાડી અને જીવનધોરણમાં થયેલા સુધારાને દર્શાવે છે.

રાજ્ય સરકારની કોસ્ટલ ગ્રાન્ટ હેઠળ 30 એ.વી.એમ.ની ક્ષમતા ધરાવતા આ સબસ્ટેશનમાં 11 કે.વી. જે.જી.વાય અને એ.જી.ના કુલ 4 ફિડરો તરકપારડી, રોયલવિલેજ સોસાયટી, વટાર અને કુંતા ખાતે સ્થાપિત કરવામાં આવશે. રૂ. 1.35 કરોડના સિવિલ વર્ક, રૂ. 3.15 કરોડના ઇલેક્ટ્રિક વર્ક અને વીજ જોડાણ માટે રૂ. 37 કરોડના લાઈન વર્ક માટેના અંદાજિત ખર્ચે સ્થાપિત થનારા આ સબસ્ટેશનની મુખ્ય વિશેષતાઓ એ છે કે ફિડરોની ઓછી લંબાઈ ને કારણે ટી એન્ડ ડી લોસ ઓછો થશે, ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપે વિજળી આપી શકાશે તેમજ આ વિસ્તારોમાં નવા વીજ જોડાણો પણ આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...