સોલ્વન્ટના 3 ડ્રમ ફાટ્યા:વાપીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ, 43 કામદારોનો બચાવઃ 11 ફાયરની ટીમે 5 કલાકે આગ ઉપર કાબૂ મેળવ્યો

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીની શકિત બાયો કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગના ધુમાડા  દુર  દુર સુધી દેખાયા હતા - Divya Bhaskar
વાપીની શકિત બાયો કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગના ધુમાડા દુર દુર સુધી દેખાયા હતા
  • આજુબાજુના વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવાયો

જીઆઇડીસી સ્થિત એલઆઇસી સેક્ટરમાં આવેલ એક ફાર્મા કંપનીમાં રિનોવેશન વખતે ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા તમામ કામદારોને તાત્કાલિક બહાર કઢાયો હતો. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદર મૂકેલા સોલ્વન્ટના ડ્રમો બ્લાસ્ટ થયા હતા. ભારે જહેમત બાદ ફાયરની 11 ગાડીએ 5 કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લાની 11 ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ
વાપી સેલવાસ રોડ પર ચણોદ સ્થિત ચંદ્રલોક બિલ્ડીંગની સામે જીઆઇડીસીના એલઆઇસી સેક્ટરમાં આવેલ શક્તિ બાયો સાયન્સ લિમિટેડ કંપનીના ત્રીજા માળે શનિવારે સવારે 11 વાગે અચાનક આગ ફાટી નીકળતા અંદર કામ કરી રહેલા 43 કામદારોને તાત્કાલિક અસેમ્બ્લીમાં એકઠા કરી બહાર કાઢી દેવાયો હતો. શરૂઆતમાં કંપની દ્વારા જ ફાયર ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. તે છતાં કોઇ પરિણામ ન મળતા આ અંગે જીઆઇડીસી ફાયર વિભાગને જાણ કરાઇ હતી. જેથી સંઘપ્રદેશ દમણ-સેલવાસ, સરીગામ, વાપી પાલિકા તેમજ જિલ્લાની 11 ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

5 કલાક બાદ કાબૂ મેળવાતા લોકોએ હાશકારો અનુભવ્યો
બનાવની જાણ થતા જીઆઇડીસી પોલીસ, ડુંગરા પોલીસ તેમજ વાપી વિભાગના ડીવાયએસપી તેમની ટીમ સાથે સ્થળ ઉપર aપહોંચ્યા હતા અને કંપનીની ચારેય બાજુના વિસ્તારને કોર્ડન કરી આજુબાજુની કંપની તેમજ દુકાનો ખાલી કરી દેવાયા હતા. કંપનીની અંદર રાખેલ સોલ્વન્ટ ભરેલા 125 ડ્રમો હોવાથી આગના સંપર્કમાં આવતા જ ત્રણ વાર બોમ્બની જેમ ધડાકા પણ થયા હતા. ભીષણ આગથી ધુમાડાના ગોટા 10 કિલોમીટર દૂરથી દેખાઇ રહ્યા હતા. સવારે લાગેલી આગ ઉપર ભારે જહેમતથી 5 કલાક બાદ કાબૂ મેળવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

કંપનીના ત્રીજા માળે ઇક્વિપમેન્ટ વિભાગમાં હોટવર્કનું કામ ચાલી રહ્યુ હતું
સુત્રોથી મળેલી માહિતી મુજબ રિનોવેશનને લઇ કંપનીના ત્રીજા માળે ઇક્વિપમેન્ટ વિભાગમાં હોટવર્કનું કામ ચાલી રહ્યું હતું. ત્યાંથી જ કોઇ કારણે આગ ફાટી નીકળતા થોડી જ વારમાં સોલ્વન્ટથી સંપર્કમાં આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટ અથવા કેમિકલ રિએક્શનથી આગ લાગી હોય શકે
સવારે શક્તિ બાયો કંપનીમાં આગની જાણ થતા ફાયર સાથે અમે સ્થળ ઉપર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટસર્કિટ અથવા તો અંદર મૂકેલા કેમિકલના રિએક્શનથી હોઇ શકે તેવું માનવું છે. આગ સંપુર્ણ રીતે કાબૂમાં આવે ત્યારબાદ જ સાચુ કારણ બહાર આવશે.
> એસ.એસ.પટેલ, ઇંચાર્જ, વીઇસીસી વાપી

અન્ય સમાચારો પણ છે...