ધરપકડ:છીરીના યુવકને તલવારથી રહેંશી નાંખનારા 3 મહારાષ્ટ્ર ભાગે એ પહેલા જ ઝડપાઇ ગયા

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઢી માસ અગાઉ થયેલી મારામારીનો બદલો લેવા માટે સોપારી આપી હત્યા કરાવી હતી

વાપીના જે ટાઇપ માર્ગ ઉપર રવિવારે મોડી રાત્રિએ છીરીના 23 વર્ષીય યુવકની તલવાર અને સળિયાથી હુમલો કરીને ધાતકી હત્યા કરાઇ હતી. આ કેસમાં પોલીસે કારમાં મહારાષ્ટ્ર તરફ જઇ રહેલા ત્રણ આરોપીને વાપી હાઇવે ઉપરથી ઝડપી લીધા છે.

છીરીના શાંતિનગરમાં રહેતો 23 વર્ષીય દિલીપ વનવાસી તેમના મિત્ર સાથે મોપેડ ઉપર દમણથી વાપી તરફ આવી રહ્યો હતો ત્યારે બાઇક સવાર કેટલાક ઇસમોએ તેમનો પીછો કર્યો હતો. વાપી જે ટાઇપ રોડ ઉપર માર્બલ કંપનીની સામે મૃતકની મોપેડને ટક્કર મારીને 4થી વધુ ઇસમોએ તલવાર, સળિયા અને લાકડાંના ફટકા મારીને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત દિલીપનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવમાં જીઆઇડીસી પોલીસે કલીમ ઉર્ફે હકલો અલીમુદ્દીન સૈયદ, લકી ઉર્ફે શશીકાંત મિશ્રા, કાદીર ઇકરાર મન્સૂરી સહિત 6 આરોપી સામે રાયોટિંગ, હત્યા અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વાપીના અતિ ચકચારિત મર્ડર કેસમાં એસપી ડો. રાજદીપસિંહ ઝાલા અને એએસપી શ્રીપાલ શેષમાંએ એસઓજી પીઆઇ વી.બી. બારડ, એલસીબી પીઆઇ જે.એન. ગોસ્વામી અને જીઆઇડીસી પીઆઇ વી.જી. ભરવાડને સૂચના આપી હતી. આખરે મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વાપી હાઇવે સ્થિત યુપીએલ બ્રિજને ઉતરતા કાર રોકીને હત્યાના ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

પોલીસે હુન્ડાય આઇટેન કાર નંબર જીજે 15 સીએલ 6486ને આંતરીને મુખ્ય સૂત્રધાર કલીમ ઉર્ફે હકલો અલીમુદ્દીન સલીમુદ્દીન શેખ રહે. જુની લકી હોટલની સામે, છીરી-વાપી, શશીકાંત ઉર્ફે લકી ઇન્દ્રજીત મિશ્રા રહે. સનસાઇન એપાર્ટમેન્ટ, દેસાઇવાડ- છીરી, વાપી અને કાદીર ઇકરાર હુશેન મન્સૂરી રહે. ફ્રેન્ડસ કોલોની, અંબામાતા મંદિરની સામે, જીઆઇડીસી વાપીની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી એક કાર અને ચાર નંગ મોબાઇલ કબજે લીધા છે.

હકલા સામે 15 ગંભીર ગુના, પાસા કરો
સામાન્ય રીતે પોલીસ બૂટલેગરના કેસમાં પાસાની કાર્યવાહી કરતી હોય છે. જ્યારે મૂળ ઉત્તરપ્રદેશના મુજ્જફરપુર જિલ્લાનો રહીશ આરોપી કલીમ ઉર્ફે હકલા સામે વાપી અને ભીલાડ પોલીસ સ્ટેશનમાં અપહરણ, મારામારી, લૂંટ અને ચોરીના 15 ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં આચરેલા ગુનાને જોતા પોલીસ અને વહીવટી તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકોની સલામિત માટે આ રીઢા ગુનેગાર સામે પાસાની કાર્યવાહી કરવી જરૂરી છે. યુવક ઉપરથી તલવારથી હુમલો કરનાર હકલો છીરીના માજી સરપંચને ત્યાં નોકરી કરતો હોવાનું પણ જાણવા મળે છે.

છીરીના નેતાની સંડોવણીની તપાસ થશે
છીરીના યુવકની હત્યાને લઇ હાલ આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. છીરીના રાજકીય નેતા નુરૂના ઇશારે આ હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાની સાથે મૃતકની માતા પણ આક્ષેપ કરી રહી છે. જેમાં મૃતકની માતાએ એમ પણ જણાવ્યું છેકે, તેના પુત્રની હત્યા છીરીના નુરૂએ સોપારી આપી કરાવી છે. આ અંગે વાપી એએસપી શ્રીપાલ શેષમાંએ જણાવ્યું કે, પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. હત્યામાં જેની પણ સંડોવણી હશે એની સામે કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...