આરોપી ફરાર:IIFL લૂંટમાં 3 આરોપી ભીલાડમાં કાર બદલીને મુંબઇ પહોંચ્યા હતા, 4 વાપી ચારરસ્તાથી ઇકો કારમાં બેસી ગયા હતા તો 1 એકલો ગયો હતો

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 આયઆયએફએલ લૂંટ પ્રકરણમાં 6 નહી 8 આરોપીઓ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થયા હતા. જેમાંથી 3 આરોપીઓ ભીલાડ પહોંચી કાર બદલીને દાગીના લઇને મુંબઇ પહોંચ્યા હતા. જોકે અન્ય આરોપીઓ વાપી ચારરસ્તાથી ઇકો કારમાં પેસેંજર બનીને મુંબઇ ગયા હતા. શનિવારે અમદાવાદથી છોટારાજન ગેંગના બંને આરોપીને જીલ્લા એલસીબી વલસાડ લઇ આવી તપાસ હાથ ધરી છે.

વાપી ચણોદ ખાતે ચંદ્રલોક બિલ્ડીંગમાં દાગીના પર લોન આપતી આયઆયએફએલની ઓફિસમાં 9 જાન્યુઆરીના રોજ 6 બુકાનીધારી તમંચા અને કોયતા લઇને અંદર પ્રવેશ્યા હતા અને 8 કર્મચારીઓને બંધક બનાવી રોકડા 3 લાખ અને 31.798 કિલો સોનું લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં બેંકના કર્મીઓના જણાવ્યા મુજબ ઓફિસમાં 6 ઇસમો આવ્યા હતા. પરંતુ પોલીસ તપાસમાં અન્ય બે ઇસમો ઓફિસ નીચે કાર લઇને ઉભા હોવાનું જાણવા મળ્યું છે. કુલ 8 આરોપીઓ પૈકી એક આરોપી કારમાં ન બેસી ત્યાંથી જ ગાયબ થઇ ગયો હતો. જ્યારે કારમાં ભાગેલા 7 આરોપી પૈકી 4 આરોપી વાપી ચારરસ્તા સ્થિત હાઇવેના સર્વિસ રોડ પર ઉતરી ગયા હતા. જ્યાંથી તેઓ ઇકો કારમાં પેસેંજર બનીને મુંબઇ પહોંચ્યા હતા. તો કારમાં ભાગેલા 3 લૂંટારૂઓ ભીલાડના ધનોલી ગામે પહોંચી લૂંટની કાર છોડીને ત્યાંથી અન્ય કાર લઇ મુંબઇ પહોંચ્યા હતા. આ કેસમાં ગુજરાત એટીએસની ટીમે મુંબઇ નાલાસોપારાથી આરોપી શરમત બેગ ઉર્ફે કાલુ હમામ અને કર્ણાટકથી આરોપી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.70 લાખ રોકડા કબજે કર્યા છે. જીલ્લા એલસીબીની ટીમ શનિવારે બંને આરોપીને વલસાડ લાવી બંનેના કોરોના ટેસ્ટ માટે મોકલ્યા હતા. 

લૂંટારૂ દીઠ અંદાજે 80 લાખનું સોનું આવ્યું 
એટીએસના અેક અધિકારીના જણાવ્યા મુજબ, 8 આરોપીઓ ભીલાડ અને વાપી ચારરસ્તાથી મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં એક જગ્યાએ ભેગા થઇ  સોનાના ભાગ કરતા એક લૂંટારૂ પાસે અંદાજે 80 લાખ રૂપિયાનું સોનું આવ્યું હતું. પકડાયેલા આરોપી સંતોષ નાયકે તેમાંથી રૂ.10 લાખ ખર્ચી દેતા તેની પાસેથી રૂ.70 લાખ રોકડા મળ્યા હતા. બાકીના દાગીના અને રોકડા રિકવર કરવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...