કપરાડાને ગુજરાતનું ચેરાપૂંજી ગણવામાં આવે છે. અહી સરેરાશ 150 ઇંચ વરસાદ થાય છે. આમ છતાં ઉનાળો આવતાં જ મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલાં ગામોમાં પીવાનાં પાણીના ફાંફા પડે છે. મહિલાઓ અને બાળકો કુવા અને ખાડાઓમાંથી પાણી મેળવવા લાંબી લાઇનો લગાવવા મજબૂર છે. દિવ્ય ભાસ્કરની ટીમે કપરાડાના ચેપા,મોટી પલસણ,ટુકાવાડા સહિતના ગામોની મુલાકાત લીધી.
આ ગામોમાં ખાડાઓ અને કુવાઓમાં પાણી સૂકાઇ જાય તો લોકો 2 કિ.મી. સુધી ચાલીને પાણી મેળવી રહ્યાં હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કુવાઓમાં અને ખાડાઓમાં ઝરણામાં પણ પાણી સુકાતાં કપરાડાના અંતરિયાળ ગામોમાં જળસંકટ ઘેરુ બની રહ્યું છે. સરકારની 580 કરોડની એસ્ટોલ યોજનાની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થઇ શકી નથી. પરિણામે કપરાડામાં મહારાષ્ટ્રના બોર્ડરને અડીને આવેલાં ગામોમાં પીવાના પાણી માટે મહિલાઓએ કુવા આગળ લાંબી લાઇનો લગાવવાની ફરજ પડી રહી છે.
કેસ -1: ચેપામાં ખાડાઓમાંથી પાણી ભરવા લોકો મજબૂર
મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલાં કપરાડાના ચેપા નિશાળ ફળિયામાં 870 લોકો રહે છે. અહી 4 બોરિંગ બંધ હાલતમાં છે. કુવાઓમાં પાણી નથી. સ્થાનિક રાજુભાઇ વરઠાએ જણાવ્યું હતું કે કુવા-બોરિંદમાં પાણી ન હોવાથી મહિલાઓ ખાડાઓમાંથી પાણી ભરવા મજબુર છે. ભર તડકે મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે. એસ્ટોલ યોજનાની અમે રાહ જોઇ રહ્યાં છે.
કેસ -2: મોટી પલસણમાં 60 ફૂટ ઉંડા કૂવામાંથી પાણી ભરે છે
કપરાડાના મોટી પલસણ ગામના સામરપાડા ફળિયામાં 750 લોકો રહે છે. અહી 3 કુવા અને 4 બોર છે. એક જ કુવામાં પાણી છે. સ્થાનિક રહીશ ગુલાબભાઇ ખાલવેએ જણાવ્યું હતું કે કુવા અને ખાડાઓમાં પાણી પૂર્ણ થાય તો મહિલાઓ 2 કિ.મી. સુધી ચાલીને પીવાનું પાણી મેળવે છે. 60 ફુટ ઉંડા કુવામાંથી મહિલાઓ પાણી ભરે છે. ભરપીવાના પાણી માટે કોઇ સરળ વ્યવસ્થા જ સરકારે કરી નથી. પાણી માટે દોડધામ કરી રહ્યાં છે.
કેસ -3 : હુંડા ગામમાં પાણી માટે1 કિ.મી. ચાલવું પડે છે
ગુજરાતના છેલ્લા ગામ હુંડામાં જાન્યુઆરીથી જ પીવાના પાણી માટે ટેન્કરની માંગણી કરાય છે. સ્થાનિક રહીશ નંદરાજભાઇ ગાવિતે જણાવ્યું હતું કે ગામની વસ્તી 2500 છે. એક જ ફળિયામાં પાણી આવે છે. ત્રણ ફળિયાની મહિલાઓ 1 કિ.મી. સુધી ચાલીને કુવામાંથી પાણી મેળવે છે.
પાણીનું નેટવર્ક ઊભું ન કરાતાં જળસંકટ
કપરાડાના એન્જીનિયરોના મતે એસ્ટોલ યોજનાથી થોડો ફેર પડશે, પરંતુ કપરાડા પહાડી વિસ્તારમાં આવેલો હોવાથી પહેલાથી અહી પાણીનું નેટવર્ક ઊભુ કરાયું નથી. પરિણામે ઉનાળો આવતાં જ ટેન્કરો શરૂ થઇ જાય છે. દુર-દૂર ગામો આવેલાં હોવાથી પાણીની વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ છે. વરસાદ પણ અહી સૌથી વધુ પડે છે. પાણી સંગ્રહ માટે વ્યવસ્થા ગોઠવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.