લઠ્ઠાકાંડનો રેલો આવ્યો:વલસાડ જિલ્લાની 100 કંપનીમાં મહિને 15 લાખ લિટર મિથેનોલનો ઉપયોગ, હવે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી-સરીગામ, ઉમરગામ સહિત ઇન્ડસ્ટ્રીઝ એસો., ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખોને સુરત બોલાવી આઇજીએ બેઠકમાં સૂચનો કર્યા
  • આઇજીએ દરેક પાસેથી અભિપ્રાયો મેળવ્યાં, દક્ષિણ ગુજરાતમાં લઠ્ઠાંકાંડ જેવી ઘટના ન બને તેની સમીક્ષા કરાઇ

બોટાદ,બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ મિથેનોલ નામના કેમિકલના વપરાશ અંગે સમગ્ર ગુજરાતના જીઆઇડીસી એસ્ટેટમાંથી સરકાર માહિતી એકત્ર કરી રહી છે. ત્યારે વાપી,સરીગામ,ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાંથી 100 જેટલા એકમો મિથેનોલ વપરાશ કરે છે. જેમાં દર મહિને સરેરાશ 15 લાખ લિટર મિથિનોલ વપરાશ થાય છે. મિથેનોલના સ્ટોક બાબતે ગેરરીતી ન થાય અને લઠ્ઠાંકાંડ જેવી ઘટના દક્ષિણ ગુજરાતમા ન બને તે માટે સુરત ખાતે આઇજીએ વાપી,સરીગામ સહિત ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી સૂચનો કર્યા હતાં.

વલસાડમાં કેમિકલનું ઉત્પાદન કરતા અનેક એકમો આવેલાં છે
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ગણાતાં વાપી અને વલસાડ જિલ્લામાં કેમિકલનું ઉત્પાદન સાથે સંકળાયેલા અનેક એકમો આવેલાં છે. જિલ્લામાં વાપી, સરીગામ,ઉમરગામ,ગુંદલાવમાં 100 જેટલા એકમો મિથેનોલનો વપરાશ કરે છે. જેમાંથી 12 મોટા એકમોનો સમાવેશ થાય છે. તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1 લાખ લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે. જે કુલ 10 લાખ લિટર થાય છે. જયારે બાકીના 90 એકમો પાંચ હજાર લિટર વપરાશ કરે છે. જે કુલ 4.50 લાખ લિટર થાય છે.

વહિવટી તંત્રની મિથેનોલ વપરાશકર્તા 100 એકમો પર વોચ
​​​​​​​
બંને મળી કુલ 100 એકમો દર મહિને 15 લાખ લિટર મિથેનોલનો વપરાશ થઇ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં મિથેનોલનું ઉત્પાદન કરતી ફેકટરીઓ ઓછી પણ તેનો વપરાશ કરતી કંપનીઓ વધારે છે.મિથેનોલનો વપરાશ કરતી કંપનીઓને મિથેનોલના જથ્થાનો હિસાબ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. બોટાદમાં લઠ્ઠાંકાડ બાદ વલસાડ જિલ્લા પોલીસ,નશાબંધી વિભાગ અને વહિવટી તંત્ર મિથેનોલ વપરાશકર્તા 100 એકમો પર વોચ રાખી રહ્યું છે.

ઉદ્યોગકારોએ પણ બેઠકમાં માહિતી રજુ કરી
સુરત ખાતે મળેલી બેઠકમાં ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં મિથેનોલ સહિત કેમિકલનો વપરાશ નશાબંધી વિભાગના માર્ગદર્શન હેઠળ થતો હોય છે. પ્રોહિબિશન એક્ટ મુજબ નશાબંંધી વિભાગ એલર્ટ રહે છે. ઉદ્યોગકારો નિયમિત તેનો ડેટા રાખી રહ્યાં છે. જેથી બોટાદ બરવાળા જેવી ઘટનાઓ વલસાડ જિલ્લામાં બનવાની સંભાવના નહિવત છે.

ડેટા યૂઝર સર્ટિ.રેગ્યુલર લેખિતમાં રાખો
સુરત ખાતે મળેલી બેઠકમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા, જિલ્લા નશાબંધી વિભાગના તન્ના સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં. એકમોને કેમિકલના વપરાશ અંગેના ડેટ યૂઝર સર્ટિ. રેગ્યુલર લેખિતમાં રાખવા સૂચનો કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કેમિકલનું વહન કરતાં વાહનોના ડ્રાઇવરોની પણ પુરેપુરી માહિતી રાખવા જણાવામાં આવ્યું હતું. કેમિકલ ઉપયોગના રજીસ્ટર તમામ કંપનીઓએ અપડેટ રાખવા પડશે.

જથ્થાની માહિતીમાં ક્ષતિ હશે તો કાર્યવાહી
જિલ્લામાં મિથેનોલનો વપરાશ કરતાં 100થી વધારે યુનિટનો સમાવેશ થાય છે. મિથેનોલનું વેચાણ તથા સંગ્રહ કરતા યુનિટ અને પંપના સંચાલકોને જથ્થાની માહિતી રાખવા સુચના આપી છે. પોલીસ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકીંગ કરશે અને કોઇ ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.મિથેનોલનો દુરઉપયોગ રોકવા પોલીસ હવે એલર્ટ મોડમાં આવી ગઇ છે.

કેમિકલ ભરેલા ટેન્કરોમાં જીપીએસ જરૂરી
સુરત આઇજીએ ગુરૂવારે વાપી ઇન્ડ્રસ્ટ્રીઝ એશો. સહિત જિલ્લાના ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મિથેનોલ સહિત કેમિકલનું વહન કરતાં વાહનોમાં જીપીએસ સિસ્ટમ રાખવા તથા સ્ટોકનું નિયમિત મોનટરિંગ કરવા અંગેના સૂચનો કરવામાં આવ્યાં હતાં. લઠ્ઠાકાંડ જેવી ઘટના ન બને તે માટે શું કરી શકાય તે માટે અભિપ્રાયો માંગ્યા હતાં. - કમલેશ પટેલ, પ્રમુખ,વીઆઇએ, વાપી

અન્ય સમાચારો પણ છે...