સાઇબર ક્રાઇમમાં ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવીને લોકોને ઠગતા હોય છે. દમણના એક યુવકને તમારા મોબાઇલ સિમનો કેવાયસી પુરો થયો છે એમ કહીને મોબાઇલને રીમોટ ઉપર લઇને ડીટેલ મેળવીને બેંક ખાતામાંથી 1 લાખ 19 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ઓનલાઇન ઠગાઇ કેસમાં દમણ પોલીસે ઝારખંડથી બે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
દમણમાં રહેતા એક યુવકના મોબાઇલ ઉપર ટેક્સ મેસેજ આવ્યો હતો કે, તમારા સિમ કાર્ડનું કેવાયસી પૂર્ણ થયું છે. અપડેટ કરવા માટે નંબર ઉપર કોન્ટેક્ટ કરતા જ તેમનો મોબાઇલ રીમોટમાં લઇને ડીટેલ્સ મેળવીને તેમના બેંક એકાઉન્ટમાંથી 1 લાખ 19 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
યુવકે આ અંગે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપીના એડ્રેસ ઝારખંડમાં મળતાં જ પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. ઝારખંડના જામતાડાથી પોલીસે આરોપી ગોવિંદ મંડલ અને કરણ મંડલની ધરપકડ કરીને દમણ લઇ આવી હતી. પોલીસે આરોપી પાસેથી 17 મોબાઇલ અને 30 સિમ કાર્ડ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
કોલ કરનારને આ રીતે ફસાવતા હતા
ઝારખંડની આ ટોળકી દરરોજ કેવાયસી અપડેટ માટે બલ્કમાં મેસેજ મોકલાવતા હતા. જો કોઇ ગ્રાહક અપડેટ માટે કોલ કરે તો કસ્ટમર કેસના એક્ઝિકયુટિવની ઓળખ આપીને વાત કરતા હતા. ગ્રાહકને વાતોની ઝાળમાં ફસાવીને તેમની પાસે થર્ડ પાર્ટી એપ્લીકેશન ડાઉન લોડ કરાવતા હતા. આ એપ ડાઉન લોડ થતાં જ ગ્રાહકનો મોબાઇલ એકસેસમાં લઇને ડીટેલ્સ મેળવીને બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફંર કરી લેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.