ચિત્ર સ્પષ્ટ:વાપી પાલિકાની ચૂંટણીમાં 43 બેઠક માટે 109 ઉમેદવાર મેદાને

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં ભાજપને ફાયદો થશે, વોર્ડ 10માં ‌BJPની 1 બેઠક બિનહરીફ

વાપી પાલિકાની 28 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે મંગળવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 6 ફોર્મ પરત ખેંચાયા હતાં.જેમાં વોર્ડ નં. 7 અને વોર્ડ નં.10માંથી કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતાં ભાજપને ફાયદો થશે. જયારે વોર્ડ 10માં કોંગ્રેસના ઉમેદવાર જાતિનું પ્રમાણપત્ર રજુ ન કરતાં આ બેઠક ભાજપ માટે બિનહરિફ બની છે. હવે કુલ 43 બેઠક માટે 109 ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ જામશે. વાપી પાલિકાની ચૂંટણી માટે સોમવારે ફોર્મોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ડમી ઉમેદવારો સહિત કુલ 56 ફોર્મ રદ્ થયા હતાં. જયારે કુલ 116 ઉમેદવારોના ફોર્મને મંજુરી આપવામાં આવી હતી.

જેમાં ભાજપના 44,કોંગ્રેસના 43, આમ આદમી પાર્ટીના 25 ઉમેદવારો તથા 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મંગળ‌વારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 5 ફોર્મ પરત ખેંચાયા હતાં. જેમાં વોર્ડ નં. 10માંથી ચેતન મંગુ પટેલ, વોર્ડ નં. 11 મયુરીબેન રાકેશ પટેલ, વોર્ડ નં.11 અમિત મંગુ પટેલ, વોર્ડ નં. 10 ભીમરાવ કટકે, વોર્ડ નં. 10માંથી લોચનાબેન કટકે ,વોર્ડ નં. 7માંથી શબાના સુલેહ શેખે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતાં. કોંગ્રેસના વોર્ડ નં. 10માંથી ચેતન મંગુ પટેલ અને ,વોર્ડ નં. 7માંથી શબાના સુલેહ શેખે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. હવે કુલ 43 બેઠક માટે 109 ઉમેદવારો મેદાને છે.

ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે બીજેપી 44, કોંગ્રેસ 41, આપના 25 ઉમેદવાર મેદાને
મંગળ‌વારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયુ હતું. હવે 44 બેઠકો માટે ભાજપના 43, કોંગ્રેસના 41,આમ આદમી પાર્ટીના 24, અપક્ષ 1 મળી હવે કુલ 109 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. સૌ પ્રથમ વખત વાપી પાલિકામાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. જેના કારણે પાલિકામાં ત્રિપાંખીયા જંગના એંધાણ વર્તાઇ રહ્યાં છે. જો કે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

છેલ્લી ઘડી સુધી ઉમેદવારોને બેસાડવાના પક્ષના આગેવાનો દ્વારા પ્રયાસો કરાયા
વાપી પાલિકાની ચૂંટણી માટે મંગળવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કેટલીક બેઠકોને બિનહરિફ કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ વખતની ચૂંટણીમાં વધારે બિન હરિફ બેઠકો થશે એવી રાજકીય માહોલમાં ચર્ચા ચાલી રહી હતી, પરંતુ વોર્ડ નં-10ની એક જ બેઠક બિન હરિફ થઇ છે. આમ આદમી પાર્ટી પણ સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે.

વોર્ડ નં. 10માં એક સીટ બિનહરીફ થતાં ચૂંટણી રસપ્રદ
આ વખતે વોર્ડ નં. 10 પાલિકાના સુલપડ વિસ્તારની બેઠક પર યોજાનાર ચૂંટણીની ચર્ચા વધુ થઇ રહી છે. કારણ કે વોર્ડ નં. 10માં એક બેઠક બિનહરિફ બની છે. જાતિ સમીકરણ વચ્ચે હવે ત્રણ બેઠક માટે સૌથી વધુ મત મેળવનાર વિજેતા બનશે. ટિકિટ વહેંચણી બાદ અહી વિવાદ ચાલી રહ્યો હોવાની માહિતી મળી રહી છે. જેથી આ વખતે સુલપડના પરિણામ પર સૌની નજર મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...