સુવિધા:વાપી સુલપડના 10 હજાર લોકોને પુરતું પાણી મળી રહેશે

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 55 લાખના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ, પાલિકાએ ખાતમુર્હુત કર્યું

વાપીના સુલપડ વિસ્તારમાં જુની પાઇપલાઇનના કારણે પીવાના પાણી મુદે લોકોને તકલીફ પડી રહી હતી. સ્થાનિક સભ્યની રજૂઆત બાદ 25 વર્ષ જુની પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરીનો શનિવારે પ્રારંભ થયો હતો. જેના કારણે સુલપડના 10 હજાર લોકોને પીવાનું પાણી પુરતા પ્રેશરથી મળી રહેશે. આ પ્રોજેકટ બે મહિનામાં પૂર્ણ થશે એવી જાહેરાત પાલિકા પ્રમુખે કરી હતી.

વાપીમાં કોરોનાના કેસો ઓછા થતાં ફરી નવા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે. શનિવારે પાલિકાના વોર્ડ 10 સુલપડમાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ,કારોબારી અધ્યક્ષ દિલિપ દેસાઇ , વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ,સ્થાનિક સભ્ય સંજય પટેલ,મંગેશ પટેલ અને પાલિકાના પદાધિકારીઓએ 55 લાખના ખર્ચે નિર્માણ થનાર નવી પાણીની પાઇપલાઇનનું ખાતમુર્હુત કર્યુ હતું. 700 મીટર લાંબી પાઇપલાઇનની કામગીરી આગામી 2 મહિનામાં પૂર્ણ કરાશે.

આ અંગે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યુ હતું કે સુલપડ વિસ્તારની 25 વર્ષ જુની પાઇપલાઇન હોય તેને સ્થાને નવી પાઇપલાઇન પાથરવામાં આવશે. 2 મહિનામા કામગીરી પૂર્ણ થશે.700 મીટર લાંબી આ નવી પાઇપલાઇન દોઢ ફુટ અને સવાફુટના ડાયામીટરની હશે. આ પીવાની પાણીની પાઇપલાઇનની કામગીરી બાદ આ વિસ્તારના 10 હજાર જેટલા લોકોને પુરતું પાણી મળી રહેશે. પાલિકાએ હવે ધીમે-ધીમે બાકી કામોને પ્રારંભ કર્યો છે. કોપરલી રોડની કામગીરી પણ પૂર્ણતાને આરે પહોંચી છે.

સામાજિક અંતર અને માસ્ક ન પહેરી નિયમોના ધજાગરા
વાપીના સુલપડ વિસ્તારમાં શનિવારે પાણીની નવી પાઇપલાઇનના ખાતમુર્હુતમાં નેતાઓ વચ્ચે સામાજિક અંતર જળવાયુ ન હતું. આ સાથે કેટલાક નેતાઓએ માસ્ક પણ પહેરવાની તસ્દી લીધી ન હતી. જેના ફોટા સોસિયલ મિડિયામાં ફરતાં થયા હતાં. કોરોનાના કેસો ઘટતાં ફરી કોવિડ 19ની ગાઇડલાઇનનું પાલન કરવામાં ઢિલાશ જોવા મળી રહી છે. જો કે ત્રીજી લહેર પૂર્વે લોકો નિયમોનું પાલન કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...