વાપી મેઇન બજાર રોડ પર આવેલ પુષ્પમ જ્વેલર્સની પાછળ દુકાન ભાડે રાખી આરોપીઓ બાકોરું પાડીને જ્વેલર્સમાંથી 65 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં ટાઉન પોલીસે અગાઉ એક આરોપીની કલકત્તાથી ધરપકડ કરી હતી. જ્યારે બીજો આરોપી કર્ણાટકથી પકડાયો છે. જોકે બંને આરોપી પાસેથી કોઇપણ મુદ્દામાલ રિકવર કરાયા નથી.
વાપી મેઇન બજાર રોડ સ્થિત પુષ્પમ જ્વેલર્સ શોપની પાછળ કેટલાક ઇસમોએ દુકાન ભાડે રાખી અંદરો અંદર બાકોરું પાડીને 7 જુલાઇની રાત્રે તેઓ જ્વેલર્સ શોપમાં પ્રવેશી ગયા હતા. શોકેસમાં મુકેલા સોના-ચાંદી અને ડાયમંડ મળી કુલ રૂ.65 લાખના દાગીનાની ચોરી કરી તેઓ ફરાર થઇ ગયા હતા.
જેને લઇ જ્વેલર્સ માલિક પિયુષ જૈને વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. આ કેસમાં ટાઉન પોલીસે તપાસ કરતા કલકત્તાના વેસ્ટ બંગાલથી ચોરીમાં કાવતરૂં રચનારા આરોપી યુસુફ ઉર્ફે ઉસુફ ઉર્ફે યુનુસ ઇદરીસ મુન્સી શેખ રહે.ડોંબીવલી ઇસ્ટ મુળ બંગાલને 13 જુલાઇ 2022ના રોજ પકડી પાડી વાપી લાવી કોર્ટમાં રજૂ કરીને 21 જુલાઇ સુધી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઇ હતી.
જ્યારે આ જ કેસમાં ટાઉન પોલીસે બીજા આરોપી ઇમદાદુલ ઉર્ફે સેમોયન અબ્દુલ રઝાક અલી શેખ ઉ.વ.32 રહે.અજમત ટોલા જુમ્મા મસ્જીદની નજીક પ્રાણપુર જી.સાહેબગંજ ઝારખંડ ને 9 ડિસેમ્બરે કર્ણાટકથી ટ્રાન્સફર વોરન્ટથી વાપી લાવી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે. પકડાયેલા આ આરોપી પાસેથી પણ હજી કોઇ મુદ્દામાલ કબજે કરી શકાયા નથી. આરોપી ઇમદાદુલ કર્ણાટકમાં ચોરીની શંકામાં ઝડપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.