કોરોનાની અસર:ઉમરગામ-ધરમપુર તાલુકામાં 15માં નાણાપંચની મંજૂરી નહીં મળતાં વિકાસ કાર્યો ટલ્લે, સરપંચો-સભ્યોમાં નારાજગી

ઉમરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાન્ટના અભાવે સફાઇ, પાણી સહિતના કામો ન થતા જનપ્રતિનિધીઓ પ્રજાને શું જવાબ આપવો તેની મૂંઝવણમાં
  • ગ્રાન્ટની મંજૂરી માટે સરકારના આદેશની રાહ જોવા સિવાય વિકલ્પ નથી

ઉમરગામ તાલુકમાં 15મા નાણા પંચની ગ્રાન્ટ વાપરવા માટે વહીવટી મંજુરી ન મળતા વિકાસ કાર્યો અટવાઇ પડ્યા છે જેને લઇ સરપંચો અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ પ્રજાને શુ જવાબ આપવો તેની મૂંઝવણમાં છે.ઉમરગામ તાલુકામાં રાજકીય રીતે આગેવાનોની નબળાઈ તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ હોદ્દેદારો ની નબળી નેતાગીરીના કારણે વિકાસ કાર્યો અટકી ગયા છે.અધિકારીઓનું રાજ જોવા મળી રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારના વિકાસના કામોમાં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. ગુણવત્તા જળવાતી ન હોવાના કિસ્સાઓ વિવિધ વિસ્તારમાં જોવા મળ્યા છે. ટીડીઓ પ્રોફેસર બનવાના સ્વાર્થે તાલુકાનાં વિકાસમાં જોએ એટલી રૂચિ દાખવી નથી રહ્યા. જેથી ઉમરગામ તાલુકાના વિકાસની ગતિ ઘટી છે. હાલે 15 મા નાણાપંચના ભરોસે બેસેલા સરપંચોને વહિવટી મંજૂરી નહિ મળતાં પ્રજાને જવાબ શુ આપવો તેવી સ્થિતિમાં મુકાયા છે.

વસ્તી આધારે સરકાર પંચાયતને ગ્રાન્ટ ફાળવે છે
સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટ સરકારની ગાઈડ લાઈન મૂજબ અયોજન કરવામાં આવે છે જેમા સફાઇ, મરામત, બાંધકામ, પાણી જેવા કામોનો સમાવેશ કરાય છે.

સરકાર સમક્ષ ગ્રાન્ટ માટે સંઘ રજુઆત કરશે
હાલ ચોમાસુ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર વહેલી તકે 15 માં નાણાં પંચ ની મંજુરી આપે તેવી રજૂઆત સરપંચ સંઘ તરફ થી કરવામાં આવનાર છે. -નરોત્તમભાઈ પટેલ, પ્રમુખ સરપંચ સંઘ

હાલની સ્થિતિને લઇ મંજૂરી નથી આપી
15માં નાણાપંચ સહિત કોઇ પણ ગ્રાન્ટ હોય તેની મંજૂરી રાજ્ય સરકાર આપે છે. સરકાર નિણર્ય લેય એને સ્વિકાર કરવો પડશે. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે વહિવટી મંજૂરી આપી નથી. - રમણ પાટકર, મંત્રી ગુજરાત રાજ્ય

ધરમપુર તા.પં. સભ્યએ ગ્રાન્ટ વાપરવા મંજૂરી માગી, ગામડાના વિકાસ માટે મામલતદારને આવેદન પત્ર
ધરમપુર તા.પ.ની નાનીઢોલડુંગરી બેઠકના અપક્ષ આદિવાસી સભ્ય કલ્પેશ પટેલે ગ્રામ પંચાયતોને ગામવિકાસ માટે ફાળવવામાં આવતી 15મું નાણાંપંચની ગ્રાન્ટ વાપરવાની મંજૂરી આપવા અંગે વિકાસ કમિશનર, ગાંધીનગરને સંબોધન કરતું આવેદનપત્ર ધરમપુર તા.પ.માં આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દરેક ગ્રામ પંચાયતના ખાતામાં ચાર હપ્તા જમા કરાવવામાં આવ્યા છે. પરંતુ સ્પષ્ટ ગાઈડલાઈન નહીં હોવાથી સરપંચોને ગ્રાન્ટ વાપરવામાં મંજૂરી આપવામાં આવતી નથી. અને છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ ગ્રાન્ટ વણવપરાયેલી છે. જેથી આ અંગે તાત્કાલિક 15મું નાણાંપંચની રકમ વાપરવા માટે નીતિ નક્કી કરી દરેક પંચાયતોને ગ્રાન્ટ વાપરવા માટે મંજૂરી આપવા કાર્યવાહી કરવા ઉલ્લેખ પણ કરાયો છે. જેથી કરીને અટવાયેલા વિકાસ કાર્યોને આ વર્ષ પુરૂ થાય ત્યાં સુધીમાં ઝડપથી વેગ અાપી શકાય.

અન્ય સમાચારો પણ છે...