તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામમાં પત્નીનું મર્ડર:6 વર્ષથી પિયર રહેતી ફણસાની મહિલા સાસરે ન આવતાં પતિએ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવતી સહિત ઇન્સેટમાં હત્યારા પતિની તસવીર. - Divya Bhaskar
મૃતક યુવતી સહિત ઇન્સેટમાં હત્યારા પતિની તસવીર.
  • પતિ અવારનવાર શંકા કરી શારીરિક-માનસિક ત્રાસ આપતાં પત્ની પિયર જતી રહી હતી, ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ફણસા ગામે રહેતી મહિલા પતિના ત્રાસથી કંટાળી પિયર ચાલી ગયા બાદ પરત નહીં થતાં બંને વચ્ચે ચાલતા વિવાદનો ભયાનક અંત આવ્યો હતો. ઘરથી સંબંધીના ઘરે નીકળેલી પત્નીને રસ્તામાં જોઇ તેના ઉપર છરાથી ઉપરાછાપરી હુમલો કરી પતિ ફરાર થઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

ફણસા ગામે મીતનાવાડ ફળિયામાં રહેતા દલપતભાઈ વાસુભાઇ મીતનાએ શુક્રવારે મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ બે દીકરી અને એક દીકરાના પિતા છે અને છેલ્લાં 25 વર્ષથી દુબઈ ખાતે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની મોટી દીકરી મમતા ઉં.વ. 30ના લગ્ન ગામમાં જ રહેતા પુનિત ગાંડાભાઇ મીતના (રિક્ષાચાલક) સાથે 14 વર્ષ પહેલાં થયા હતા. એ દરમિયાન પુનિત અવારનવાર મમતા ઉપર વહેમ રાખી ઝઘડો કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી મમતા બે સંતાનો સાથે પિયરે આવી ગઇ હતી. ત્યાર બાદ મમતા ફરી સાસરે નહીં જતાં પતિ પુનિત સાથે અનેક વખત બોલાચાલી થઈ હતી. ગામમાં જ પિયર અને સાસરું હોવાથી બન્ને અવારનવાર સામસામે આવી જતાં હતાં. ત્યારે પતિ પત્નીને પરત સાસરે આવી જવા માટે કહેતાં તે ચોખ્ખી ના પાડી દેતી હતી, જેને લઈ અવારનવાર બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

મૃતક મમતા.
મૃતક મમતા.

તા. 08/07/2021એ ગુરુવારે રાત્રે 8 વાગે મમતા ફણસા બજાર ખાતે રહેતા કાકા ધનસુખ વાસુભાઈ મીતનાના ઘરે જાઉં છું એમ કહી ઘરથી નીકળી હતી. એ દરમિયાન ફણસા માછીવાડ સુથાર ફળિયા રોડ ઉપર રિક્ષામાં આવેલા મમતાના પતિ પુનિત ગાંડાભાઇ મીતનાએ મમતાને અટકાવી તેના ગરદન, માથા અને હાથના ભાગે છરા વડે હુમલો કરી અનેક ઘા કરી ઇજાગ્રસ્ત કરી લોહી લોહાણ અને તરફડતી હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો.

ઘટના અંગેની જાણ થતાં મમતાનાં પરિવારજનો ત્યાં દોડી આવ્યાં હતાં અને ખાનગી વાહનમાં સુવડાવી તેને વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન મમતાનું મોત થયું હતું. પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે નારગોલ મરીન પોલીસે મમતાના હત્યારા પતિ પુનિત ગાંડાભાઇ મીતના રહે. ફણસા મીતનાવાડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી.
ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી.

લોહીલુહાણ હાલતમાં પરિવારજનોને ઘટનાની જાણ કરી
ફણસામાં પત્ની મમતા ઉપર છરાથી હુમલો કર્યા બાદ આરોપી પતિ ફરાર થઇ ગયો હતો. ત્યારે મમતાનાં પરિવારજનો તેને ખાનગી કારમાં વાપીની હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. કારમાં સારવાર માટે લઇ જતી વખતે ઇજાગ્રસ્ત મમતાએ તેના ઉપર થયેલા હુમલા અંગે પરિવારજનો સાથે વાત કરી હતી. મોત પહેલાં ઘવાયેલી હાલતમાં કરેલી વાતચીતના વીડિયો પરિવારે રેકોર્ડ કરી લીધો હતો.

4 પહેલા પણ વલસાડમાં એક હત્યાની ઘટના બની હતી
વલસાડના મોગરાવાડીમાં કેળા સફરજન વેચી ગુજરાન ચલાવતા અને એકલા રહેતા એક 45 વર્ષીય ગ્રાહકે ઉધારીના પૈસા ન આપવાની નજીવી બાબતે દૂકાનદારે માથા ઉપર બેઝબોલના ધોકાથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર જાગી હતી. આ ગ્રાહકને માથામાં મારતા બેભાન થઇ ગયા બાદ સુરત સિવિલ લઇ જવાતા સારવારના અંતે તેનું મોત થયું હતું. દૂકાનદાર ક્રિષ્ના ઉર્ફ કલ્લુુ અને કેળા સફરજન વેચનાર શરીફ નથ્થુ શેખ વચ્ચે મોડી રાત્રિએ ઉધારીના પૈસા બાબતે દૂકાનમાં જ ઉગ્ર ઝગડો થયો હતો. મરણતોલ ફટકો મારી દૂકાનદાર ક્રિષ્ના દૂકાન બંધ કરી ચાલી ગયો હતો.બેભાન ગ્રાહક શરીફ રાતભર સ્થળ પર બેભાન હાલતમાં પડી રહ્યો હતો.જો સમયસર સારવાર મળી હોત તો બચી શકત,બીજા દિવસે કોઇકે જાણ કરતા શરીફને 108માં સિવિલ લઇ જવાયો હતો.