ગૌરવ:3 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવનાર દિકરી CISF બની

ઉમરગામ13 દિવસ પહેલાલેખક: યતિન ભંડારી
  • કૉપી લિંક
  • ઉમરગામની દીકરીએ તમિલનાડુ આરટીસી આરાકોનમ CISFકેમ્પમાં તાલીમ પૂર્ણ કરી

ઉમરગામના ભાઠી કરમબેલી ગામના પટેલ ફળિયાના ધોડી પટેલ સમાજની દીકરી અંજનાબેન સુરેશભાઈ ધોડીએ તમિલનાડુના આરટીસી આરાકોનમ સીઆઇએસએફ કેમ્પ ખાતે એક વર્ષની તાલીમ પૂર્ણ કરી દીક્ષાંત પરેડમાં ભાગ લઈ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. બાળપણમાં ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર અંજનાબેન ધોડી અને તેની મોટી બહેન શિલ્પાબેનનું ભરણ પોષણ અને શિક્ષણ આપવાની સમગ્ર જવાબદારી તેમની માતા ચંપાબેનેના માથે આવી પડી હતી.

માતા ચંપાબેને મહેનત મજૂરી કરી મોટા કરી ભણાવ્યા હતાં. ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂરું કરનાર અંજનાબેન ધોડીને પોલીસમાં નોકરી કરવાનું સ્વપ્ન હતું. સ્વપ્નને સાર્થક કરવા અનેક વખત પોલીસ વિભાગ દ્વારા જાહેર થતી ભરતીમાં ભાગ લેતા હતા. તેમ છતાં મક્કમતા રાખી અનેક પડકારોનો સામનો કરી અને અંજનાબેન સફળ થયા છે. અંતરિયાળ ગામડામાં રહેતી અંજનાને સ્થાનિક ઠેકાણે દોડવા માટેની પ્રેક્ટિશ કરવા માટે અનુકૂળ મેદાન પણ ન હોવાથી જાહેર માર્ગ ઉપર પ્રેકટીશ કરવાની ફરજ પડતી હતી.

ઘણી વખત પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી માટે અંજનાબેન તેમના 70 કિ.મી. અંતરે આવેલા વલસાડ ખાતેના સંબંધીના ઘરે રોકાયને પ્રેક્ટિશ કરતી હતી. લગ્ન કરવાની ઉમર થતાં તેણીના લગ્ન ચિખલી ખાતેના અંકુરભાઈ પટેલ સાથે વર્ષ 2019માં થયા હતા. અંજનાબેનના લગ્ન થયાને બે વર્ષ વિત્યા બાદ અંજનાબેનની સીઆઇએસએફમાં પસંદગી પામતા તેણીને એક વર્ષની તાલીમ માટે કોલ લેટર આવ્યો હતો. દેશની રક્ષા કરવા માટે સૈનિક બનવાનું સ્વપ્નું જોનાર અંજનાબેન સીઆઇએસએફમાં પસંદગી પામતા પરિવારથી એક વર્ષ સુધી દૂર રહી તમિલનાડુ આટીસી આરાકોનમ સીઆઇએસએફ કેમ્પ ખાતે એક વર્ષની તાલીમ પૂર્ણ કરી દીક્ષાંત પરેડમાં ભાગ લઈ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

ઉમરગામ સહિત ગુજરાતની 20 દિકરીઓની પસંદગી
સીઆઇએસએફના 45માં બેચમાં સમગ્ર ગુજરાત રાજ્યથી 20 દીકરીઓ પસંદગી પામી હતી. જેમાં જિલ્લાથી એકમાત્ર અંજનાબેને સીઆઇએસએફ કેમ્પમાં તાલીમ પૂર્ણ કરી દીક્ષાંત પરેડમાં ભાગ લીધો છે. તાલીમ દરમિયાન તેમણે આધુનિક હથિયારો અને સુરક્ષા સંબંધિત ઉપરણોની તાલીમ મેળવી છે. તાલીમ પૂર્ણ થતાં હવે તેઓ ભારતના કોઈ પણ ખૂણે હવાય મથક, મેટ્રો ટ્રેન સ્ટેશન, બંદરો, અણુમથકો જેવા અતિ મહત્વના કેન્દ્રો ખાતે ફરજ બજાવશે. પરિવાર તેમજ સગા સંબંધીમાં આનંદની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...