તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:જાતિ ધર્મનો ભેદ દૂર કરવા પારસી વૃદ્ધાની અંતિમ ઇચ્છા મુજબ દેહને અગ્નિદાહ અપાયો

ઉમરગામ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલારામ હાઇસ્કૂલના ટ્રસ્ટી દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની જૈફવયે નિધન
  • જીવનભર શિક્ષણ સેવામાં કાઢી ગરીબોની સેવા કરી હતી
  • શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓને શીખવી અંતે પણ માનવતાનો સંદેશ આપ્યો

નારગોલ ગામે 1942થી ચાલતી નારગોલ કેળવણી મંડળ સંસ્થા અને ભક્ત જલારામ હાઈસ્કુલના ટ્રસ્ટી દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની વયે બુધવારે નિધન થતાં નારગોલ સહિતના પંથકમાં સોકની લાગણી પ્રસરી છે. દિનાબેનના પિતા માણેકજી હવેવાલાએ વર્ષ 1942માં પોતાનું ઘર સંસ્થાને સોંપી તમામ જાતિ ધર્મના લોકો ભણે તે માટે સ્કૂલ શરૂ કરી હતી.

સ્વ. માણેકજી હવેવાલાનું દેહાંત થયા બાદ તેમના સમગ્ર પરિવારે પોતાનું જીવન શેક્ષણિક સેવામાં સમર્પિત કરી દરેક જાતિ ધર્મ ગરીબ અમિર લોકોના બાળકોને ભણાવવાનું કામ કર્યુ છે. આ સંસ્થાની ગુજરાતી, અંગ્રેજી શાળા તેમજ ગરીબ દીકરીઓ માટે કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય ચલાવવામાં આવી રહી છે. સંસ્થાના હાલના ટ્રસ્ટી દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની વયે બુધવારે સવારે 10 કલાકે નિધન થતાં નારગોલના લોકો, શિક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ, માજીવિદ્યાર્થીઓમાં ભારે સોકની લાગણી પ્રસરી હતી.

સદગત દિનાબેનને મૃત્યુ પહેલા પરિવારના સદસ્યોને જણાવ્યુ હતું કે, તેમના મૃત્ય બાદ પારસી રીત રિવાજ મુજબ ડુંગરવાડીના દોખમાં (Tower of Silence)માં અંતિમ ક્રિયા કરવાના બદલે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવે. પરિવારના સભ્યોએ મૃતકની અંતિમ ઇચ્છા મુજબ ગ્રામજનોએ સ્વ. દિનાબેનની અંતિમ યાત્રા મોક્ષરથમાં કાઢી સોળસુંબા સ્થિત ગેસની સગડીવાળી સ્મશાન ભૂમિમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારનો જાતિ ધર્મનો ભેદભાવ સમાજમાં હોવો ન જોઇયે તેવો સંદેશો આપવા માટે દિનાબેને પોતાના મૃત્યુ બાદ અગ્નિદાહ આપવાની આખરી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના અંતિમ યાત્રામાં દરેક ધર્મ અને જાતિના લોકો જોડાયા હતા.

મુંબઇમાં મોબેદોએ ઓનલાઇન સરોશની પૂજા કરાવી હતી
દિનાબેનના દેહાંત બાદ તેમના પરિવારે મુંબઈ વરલી ખાતેના મોબેદોનો સંપર્ક કરી ઓનલાઈન સરોશની પુજા કરાવી હતી. ત્યારબાદ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. કોરોનો ગાઇડ લાઇનનું પાલન કરવા માટે બેસણું રાખવામા આવ્યું નથી તેમ તેમના પરિવારે જણાવ્યુ છે. ઉમરગામ વિસ્તારમાં પારસીઓની સંખ્યા ઘટી રહી છે. એ પણ ચિંતાનો વિષય છે.

શૈક્ષણિક સેવાકાર્ય માટે આજીવન અપરિણીત રહ્યા
દીનાબેન હવેવાલાએ શેક્ષણિક સેવા માટે સમગ્ર જીવન સમર્પિત કર્યુ છે તેમને લગ્નજીવન પણ અપનાવ્યું નહોતું. દીનાબેન હવેવાલાના અંતિમ સંસ્કાર સમયે તેમના નાના બહેન મહરૂકબેન હવેવાલાએ સગડીનું બટન દબાવીને અગ્નિદાહ આપ્યો હતો. જીવનભર તેઓ શાળા સાથે જોડાયેલા રહ્યા હતાં. આમ જીવનની સાથે અંતિમ ક્ષણે પણ માનવતાનો સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...