ગુજરાતના છેવાડે આવેલાં ઉમરગામની બોર્ડર મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. છેલ્લા થોડા સમયથી ઉમરગામના સોળસુંબા અને મહારાષ્ટ્રના વેવજી ગામની સિમામાં સ્ટ્રીટ લાઇટ નાખવાની મુદે વિવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે મહારાષ્ટ્રના અધિકારીઓ નકશા અને દસ્તાવેજ લઇને આવી પહોંચતાં ખળભળાટ મચી ગયો હતો. આ ટીમે માર્કિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે પંચાયતની ટીમ હાજર ન હોવાની માહિતી મળી રહી છે. ગુજરાત મહારાષ્ટ્ર સીમા હદને લઈને ચાલતા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના અધિકારીનો કાફલો દસ્તાવેજો-નકશા સાથે ઉમરગામ તાલુકાના સોળસુંબામાં આવી પહોંચ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના વિસ્તારના કેટલાક લોકોનું માનવું છે કે સોળસુંબા પૂર્વનો અમુક ભાગ મહારાષ્ટ્ર તરફ આવે છે. સોળસુંબાએ મહારાષ્ટ્રમાં ઘૂસણખોરી કરતાં વિવાદ વધી રહ્યો છે. અગાઉ એવો પણ આક્ષેપ થયો હતો કે સોળસુંબા ગ્રામ પંચાયત દ્વારા પંદરસો મીટર સુધી ઘુસણખોરી કરીને મહારાષ્ટ્રના વેલજી ગામમાં સ્ટ્રીટ લાઈટ નાખી દીધી હતી. આ વિવાદે ભારે જોર પકડયું હતું તે સમયે સોળસુંબા પંચાયતે મહારાષ્ટ્રમાં ઘૂસણખોરી કરી ન હોવાની વાત કરી હતી. કોરોના સમયે પણ બોર્ડર સીલ કરવામાં આવતા મહારાષ્ટ્રના ઘણા લોકો હદ વિસ્તારને લઈને નારાજ થયા હતાં.
આમ વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓનો કાફલો ગુરૂવારે ઉમરગામના સોળસુંબા પૂર્વ વિસ્તારમાં મહારાષ્ટ્ર બોર્ડર ઉપર જરૂરી દસ્તાવેજો નકશાઓ સાથે આવી જરૂરી માર્કિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. બીજી તરફ જાણ હોવા છતાં ઉમરગામ મામલતદાર કે સોળસુંબા પંચાયતમાંથી કોઈ પણ હાજર રહ્યું ન હતું.આમ આ વિવાદમાં નવો વળાંક શું આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર વિવાદ કેમ વકર્યો ?
મહારાષ્ટ્રના વેલજીને લાગીને ઉમરગામ સોળસુંબા પૂર્વનો થોડો ઘણો ભાગ મહારાષ્ટ્રની હદમાં આવતો હોવાનું અનુમાન અને ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. કારણ કે અહીં ઘણી બિલ્ડિંગો રહેણાક વસાહત ગુજરાતના સોળસુંબામાં બોલે છે. આગામી દિવસોમાં આ હદ વિસ્તારને લઈને વિવાદ વધુ વકરે તો નવાઈ નહી. હાલ માર્કિંગની પ્રક્રિયા થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.