સમસ્યા:નારગોલ બંદરે પ્રોટેક્શન વોલના અભાવે દરિયો કાંઠા વિસ્તારને ગળી રહ્યો છે

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ બંદરે કાઠાના ધોવાણને અટકાવવા શ્રમદાન કરી પ્રોટેક્શન વોલ બનાવી રહેલા સ્થાનિક માછીમારો. - Divya Bhaskar
ઉમરગામ બંદરે કાઠાના ધોવાણને અટકાવવા શ્રમદાન કરી પ્રોટેક્શન વોલ બનાવી રહેલા સ્થાનિક માછીમારો.
  • માછીમારોના 20 છાપરાઓ દરિયાઇ ધોવાણની ચપેટમાં, 200 માછીમારો દ્વારા હંગામી સુરક્ષા દીવાલ બનાવવાનું શરૂ

નારગોલ ગામના બંદર વિસ્તારના દરિયાકાંઠે દરિયાઇ ભરતીના કારણે થઇ રહેલા વ્યાપક ધોવાણનાં કારણે છેલ્લા એક મહિનામાં 20 જેટલા માછીમારોના છાપરા નામશેષ થઇ ગયા છે. દરિયાનું પાણી ગામમાં પ્રવેશે નહીં તેમાટે સ્થાનિક માછીમારોએ હંગામી સુરક્ષા દીવાનું નિર્માણકાર્ય સ્વ ખર્ચે હાથ ધર્યુ છે.નારગોલ ગામે આવેલ માછલીવાડ વિસ્તારમાં લાંબા સમયથી દરિયાઇ ધોવાણનો મોટો પ્રશ્ન રહ્યો છે ભૂતકાળમાં આ વિસ્તારમાં ખાડીના પાણીથી થતું ધોવાણ અટકાવવા રહેણાંક વિસ્તારમાં સરકાર દ્વારા સુરક્ષા દીવાલ બનાવવામાં આવી હતી જેના કારણે થોડી રાહત થઇ હતી.

પરંતુ દરિયાકિનારે સુરક્ષા દીવાલ ન બનાવતા વર્ષોથી દરિયાઈ ધોવાણની મોટી સમસ્યા સર્જાઇ રહી છે. સુરક્ષા દીવાલના અભાવે દર વર્ષે દરિયો આગળ ધપી કાંઠાને ગળી રહ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો દરિયાઈ ધોવાણના કારણે 20 જેટલા કાચા છાપરા દરિયાઇ ધોવાણની ચપેટમાં આવી ચૂક્યા છે. માછીમારો દ્વારા માછીમારી પ્રવૃત્તિ તેમજ વસવાટ કરવા માટે નિર્માણ કરવામાં આવતા આ કાચા મકાનો તેમજ માછલી સુકાવવા માટે કરાયેલી વિશેષ સુવિધા વાળી જગ્યાનું ધોવાણ થતા માછીમારોને ભારે નુકસાન થઇ રહ્યું છે. હાલે દરિયાની મોટી ભરતી સમય ધોવાણનું પ્રમાણ વધ્યું છે.

ધોવાણના કારણે દરિયાનું પાણી ગામનાં રહેણાક વિસ્તાર તરફ જોખમી રીતે ભરાવો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી સ્થાનિક માછીમાર સમાજ ના આગેવાનો વડીલો મહિલાઓ મળી કુલ 200 થી વધુ લોકો સ્વ ખર્ચે પ્લાસ્ટિકની થેલીઓ મેળવી રેતી ભરી હંગામી સુરક્ષા દીવાલ નિર્માણ કાર્યમાં જોડાયેલા જોવા મળ્યા છે. આ કાર્યમાં ગ્રામ પંચાયતના સદસ્ય દામોદર ભાઈ માછી, રાઘવભાઇ માછી પણ ગ્રામજનો સાથે સુરક્ષા દીવાલ નિર્માણ કાર્યમાં જહેમત ઉઠાવતા જોવા મળ્યા હતા.

આ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ગામના સરપંચ વધારીએ સ્થળ નિરીક્ષણ કરી આ કાર્યમાં પંચાયત દ્વારા જરૂરી સહકાર આપવાની ખાત્રી આપી હતી. જોક હવે ચોમાસાના દિવસો નજીક હોવાથી સ્થાનિક માછીમારો માટે ચિંતા વધી છે. ચોમાસામાં દરિયાઈ ભરતીથી હંગામી ધોરણે હાલમાં બનાવવામાં આવી રહેલી પ્રોટક્શન વોલ ટકી શકશે નહીં. ધસમસતા પ્રવાહમાં રેતી ભરેતી બેગો તણાઈ જશે તેવી બીક છે.

અન્ય સમાચારો પણ છે...