આકર્ષણ:ઉમરગામ તાલુકાના કલગામના મારૂતિનંદન વનમાં 15 દિવસમાં 10 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નારગોલ માલવણ બીચ, મિયાવાકી વન, ઉમરગામ બીચ પર પણ પ્રવાસીઓનો ધસારો

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં કલગામ આવેલું છે. કલગામ ગામ નારગોલથી દમણ કોસ્ટલ રોડ ઉપર આવેલ હોય જ્યાં ચાર હેક્ટરના વિસ્તારમાં વન વિભાગે સાંસ્કૃતિક વન બનાવ્યું છે. કલગામ ગામમાં આવેલા વિખ્યાત હનુમાનજી મંદિરથી જુજ અંતરે આવેલા આ મારુતિ નંદનવનને ગુજરાત સરકાર દ્વારા 72મા સાંસ્કૃતિક વન મહોત્સવ નિમિત્તે ઓગસ્ટ મહિનામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લુ મુક્યું હતું.

આ વનમાં લોકોને આપણા પ્રાચીન મૂલ્યોથી પરિચિત કરવા માટે વિવિધ પ્રકારના વનના ભાગોમાં નવગ્રહ વન, રાસીવન, સંજીવની વન,બટરફ્લાય ગાર્ડન, સિંધુરીવન, પંચવાટીકા, ચિરંજીવી વન, યોગા ગાર્ડન, ગાર્ડન ઓફ ફ્રેગ્રન્સ, ગાર્ડન ઓફ કલર્સ જેવા અનેક પ્રકારના વનનું નિર્માણ આ વનમાં એક સાથે જોવા મળે છે. આ વનની અંદર બાળકોને જાણકારી સબબ મનોરંજન પ્રાપ્ત થાય તે માટે વિવિધ પશુ પક્ષીની પ્રતિકૃતિ તેમજ રમતગમતના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હાલે દિવાળીના સમયે 10,000 થી વધુ પર્યટકોએ આ વનની મુલાકાત લીધી છે .

વન ખુલ્લું મૂક્યા બાદ અત્યાર સુધી 30,000 જેટલા પ્રવાસીઓ આ વનની મુલાકાત લઈ ચૂક્યા છે. વનમાં પ્રવેશ નિશુલ્ક છે. દિવસે દિવસે ઉમરગામ તાલુકામાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે ઉમરગામ તાલુકામાં જાણીતા નારગોલ ગામના દરિયા કિનારે, નારગોલ માલવણ બીચ, મિયાવાકી વન, ઉમરગામ બીચ, વૃંદાવન સ્ટુડિયો જેવા અનેક સ્થળોએ રજાના સમયે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જોવા મળી રહી છે.

પ્રવાસીઓ માટે ઉમરગામ તાલુકાના પ્રવાસન કેન્દ્રો શાંત અને ભીડભાડ વિનાના હોવાથી આકર્ષણ જમાવી રહ્યા છે. આજના દોડતી ભાગતી જિંદગીમાં લોકો શાંત ભર્યા વાતાવરણમાં સમય વિતાવવા માટે ઉમરગામ તાલુકાના નારગોલ સહિત વિસ્તારોમાં આવવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં મુંબઈ, અમદાવાદ, બરોડા, સુરત, મહારાષ્ટ્રના નાસિક જેવા વિસ્તારોથી પ્રવાસીઓ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...