અધિકારીની એક બીજા પર ખો:ઉમરગામ તાલુકા કક્ષાએથી ખરીદેલી 50 લાખની ડસ્ટબીનમાં ભ્રષ્ટાચાર!

ઉમરગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GEM પોર્ટલથી 12 લિટરની સામે માત્ર 5 લિટરની કચરાપેટી ખરીદી ગ્રામ પંચાયતને અપાઈ
  • મામલો બહાર આવતા અધિકારીની એક બીજા પર ખો

ઉમરગામ તાલુકામાં આશરે 50 લાખ રૂપિયાની કચરાપેટીનો GEM પોર્ટલ ઉપર ઓર્ડર આપ્યા બાદ કેટલાક ગામોમાં ઓર્ડર કરતા નાની કદની કચરાપેટી પંચાયતને પધરાવી દીધાની બાબત પ્રકાશમાં આવતા તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ એકબીજાનાં માથે ઠીકરું ફોડી રહ્યા છે.

ઉમરગામ તાલુકા પંચાયત કચેરીથી નાણાપંચ, સ્ટેમ્પ ડ્યુટી જેવી ગ્રાન્ટ થકી કોઈપણ સાધનોની ખરીદી GEM પોર્ટલ ઉપરથી કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. જેથી કરીને ભ્રષ્ટાચાર વિના પારદર્શક રીતે ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. જે મુજબ GEM પોર્ટલના માધ્યમથી ઉમરગામ તાલુકા દ્વારાના વિવિધ ગામો માટે રૂપિયા 50 લાખથી વધુ રકમની કચરાપેટીની ખરીદી કરવામાં આવી છે.

કચરા પેટીની ખરીદીમાં ભ્રષ્ટાચારની આશંકાને લઇ વિવાદ
જોકે નક્કી કરેલા ઓર્ડરમાં 12 લિટરની જગ્યાએ એન્સીએ કેટલીક ગ્રામ પંચાયતને માત્ર 5થી 6 લિટરની કચરાપેટી મોકલી દેતા આ કચરા પેટીની ખરીદીમાં ભ્રષ્ટાચારની આશંકાને લઇ વિવાદ સર્જાયો છે. આ મામલે પદાધિકારી અને અધિકારીઓ વચ્ચે વાક યુદ્ધ થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

JEM પોર્ટલથી સાધનોની ખરીદી કરવાની સત્તા માત્ર સરપંચને
જેઇએમ પોર્ટલથી ખરીદી કરવાની સત્તા પંચાયતના સરપંચોની છે જોકે ઉમરગામ તાલુકાનાં તમામ સરપંચો GEM પોર્ટલથી અજાણ છે. તંત્રએ આજ દિન સુધી સરપંચોને GEM પોર્ટલ અંગેની કોઈપણ માર્ગદર્શક તાલીમ કે સાહિત્ય આપ્યું નથી. તાલુકા કક્ષાએથી GEM પોર્ટલના ખાતા ખોલી તલાટીઓના માધ્યમથી સરપંચોના મોબાઈલ નંબર ઉપર આવેલ OTP નંબર મેળવી તાલુકા કક્ષાથી લાખો રૂપિયાની ખરીદી કરવામાં આવી છે.

એજન્સીને પેમેન્ટ થયું નથી
કચરાપેટી મોકલવામાં એજન્સી એ થાપ ખાધી છે.આજ દિન સુધી તેનું કોઈપણ પ્રકારનું ચુકવણું કરવામાં આવેલું નથી. એજન્સી દ્વારા ઓર્ડર મુજબનો સામાન આપ્યા બાદ ચુકવણું કરાશે.> રમેશભાઈ ધાંગડા, પ્રમુખ તાલુકા પંચાયત

કચરા પેટી ન લેવા સૂચના અપાઇ
GEM પોર્ટલ ઉપર એજન્સીને આપવામાં આવેલા ઓર્ડર કરતા નાના કદની કચરાપેટી ડિલિવરી કરતા તમામ કચરાપેટીને સ્વિકારવામાં આવેલી નથી. જેને રિપ્લેસ કરવા માટે જણાવ્યું છે જે માટે તલાટીઓને તાત્કાલિક સૂચિત કર્યા હતા.> અક્ષયસિંહ રાજપુત, તાલુકા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...