કાર્યવાહી:ઉમરગામ GIDCમાંથી 91.72 લાખના ગુટકા ભરેલી ટ્રક અને બે ટેમ્પો ઝડપાયા

ઉમરગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રક અને 2 ટેમ્પો ચાલક સહિત 4 ની ધરપકડ કરાઇ હતી. - Divya Bhaskar
ટ્રક અને 2 ટેમ્પો ચાલક સહિત 4 ની ધરપકડ કરાઇ હતી.
  • ઉત્તરપ્રદેશથી બિલ કે પરવાનગી વિના આ જથ્થો આવ્યો હતો, 4ની ધરપકડ

વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસે UPથી બિલ વગર વાપીમાં શુદ્ધ પાન મસાલાનો જથ્થો ખાલી કરવા આવેલા ટ્રક અને 2 ટેમ્પો ચાલક સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કુલ 630 ગુણી પાન મસાલા, તંબાકુનો 91, 72, 800 રૂપિયાનો જથ્થો તેમજ 1 ટ્રક અને 2 ટેમ્પો મળી કુલ 1 કરોડ 11 લાખ 89, 800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસની રેઇડમાં માલ મંગાવનાર વાપીનો શ્યામ ફરાર થઈ ગયો હોય ફરાર 2 આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે.

ઉમરગામ પોલીસના જણાવ્યા મુજબ પોલીસને બાતમી મળી હતી કે, ઉમરગામ દહેરી ન્યુ GIDC વિસ્તારમાં મસ્ત મસાલા કંપની નજીકની ખુલ્લી જગ્યામાંથી એક UP78-TC-1031 નંબરના ટ્રકમાંથી ગુટખાનો જથ્થો, 2 આઈશર ટેમ્પોમાં કટિંગ થઈ રહ્યો છે. આ બાતમી આધારે એક આઈશર ટેમ્પોમાં માલ ભરીને જતા તેને ગાંધીવાડી મેઇન રોડ પરથી પકડી પાડ્યો હતો. જ્યારે સ્થળ પરથી ટ્રક અને આઈશર ટેમ્પો પકડી પાડ્યો હતો. આ દરમ્યાન ત્રણેય ચાલકો અને એક લોડિંગ કરનાર મળી કુલ 4 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે માલ મંગાવનાર શ્યામ અને અન્ય એક ઇસમ ફરાર થઈ ગયા હતાં.

પોલીસે UP78-TC-1031ના ટ્રક ચાલક કુલદીપ શ્રી મહાવીર અગ્નિહોત્રી, MH04-HY-0917 આઈશર ટેમ્પો ચાલક સંજય દશરથ જાદવ, GJ15-AV- 3995 ટેમ્પો ચાલક રામસિંગ રામરાજ ચૌહાણ અને લોડિંગ કરનાર ચંદ્રેશ બસંત યાદવની ધરપકડ કરી પૂછપરછ કરતા આ જથ્થો ટ્રક મારફતે યુપીના કાનપુર જિલ્લાના ચૌધરીપુર ગામમાં આવેલ શુદ્ધ પાનમસાલા, વેલ ફ્રેગરન્સી પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાંથી રવાના કરાયો હતો. વાપીના શ્યામ નામક ઇસમનો કોન્ટેક કરી તે કહે તે મુજબ ઉમરગામમાં ટ્રક પાર્ક કરી આઈશર ટેમ્પોમાં માલ ખાલી કરવાનો હતો.

પોલીસે 4 લોકોની ધરપકડ સાથે શુદ્ધ પાન મસાલાની 420 ગુણી જેની કિંમત 78,62,400 રૂપિયા, તંબાકુની કુલ 210 ગુણી જેની કિંમત 13,10,400 રૂપિયા, 10 લાખનો ટ્રક, 5-5 લાખના આઈશર ટેમ્પો મળી કુલ 1 કરોડ 11 લાખ 89 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે 41(1) D કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નાસી ગયેલ શ્યામ સહિત 2 ઇસમોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય રાજ્યમાંથી મંગાવી મહારાષ્ટ્રમાં સપ્લાય
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને દમણમાં ગુટખા પર પ્રતિબંધ છે. જેને કારણે ગુટખાના કાળા બજારીયાઓ મોટેભાગે અન્ય રાજ્ય કે ગુજરાતના જિલ્લાઓમાંથી બિલ વગરનો ગેરકાયદેસર ગુટખાનો જથ્થો સરહદી તાલુકા વાપી-ઉમરગામમાં મંગાવી ત્યાંથી સગેવગે કરતા હોય છે. ગુટખાના આ કાળા કારોબારમાં પોલીસે તવાઈ બોલાવતા વાપીના ગુટખા કિંગ સહિતના કાળા બજારીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...