ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતે ખેડૂતના કોઢારમાં અગમ્ય કારણસર ભભૂકી ઉઠેલી આગમાં 11 ગાય અને એક ભેંસનું મોત થયું હતું. આ સાથે આગમાં 500 ગુણી ખાતર અને 400 ગાંસડી પણ બળીને ખાખ થઇ ગઇ હતી. ફાયરની ટીમે ત્રણ કલાકે આગને કાબૂમાં લીધી હતી.
ઉમરગામ તાલુકાના બોરીગામ રાજપુત ફળિયામાં રહેતાં અમ્રત મોહનસિંહ સોલંકી ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. તેમના ઘરની પાછળના ભાગે બનાવવામાં આવેલાં કોઢારમાં રવિવારે બપોરે બે વાગ્યે કોઈક અગમ્ય કારણસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના જોતા અમ્રતભાઈના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો દોડી આવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આ સાથે ફાયર બ્રિગ્રેડને પણ ફોન કરતા ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી.
કોઢારમાં પશુઓ સાથે બાજુમાં ઘાસચારો પણ ભરેલો હતો જેથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કોઢારમાં બાંધેલા ગાય- ભેંસ ભાગી શક્યા ન હતા અને આ આગમાં 11 ગાય અને એક ભેંસનું મોત થયું હતું. નાના વાછરડાઓ પણ દાઝી ગયા હતાં. આ સાથે અંદર રાખવામાં આવેલી 500 ગુણી ખાતર અને 400 ગાંસડી પણ બળીને ખાખ થઇ ગઈ હતી.ફાયરની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. `
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.