કાર્યવાહી:સેલવાસના યુવકે લોન મેળવવા 30,000 ગુમાવ્યા, આરોપીની બિહારથી ધરપકડ

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીના નામે આરોપીએ ખાતું ખોલાવ્યું હતું, કિશોર સામે પણ કાર્યવાહી થશે

દાદરા નગર હવેલીના અથાલ ગામના યુવકે બેંકમાંથી લોનના નામે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે એક આરોપીની બિહારથી ધરપકડ કરી છે. આરોપી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકના નામે ખોતુ ખોલાવી લોકો પાસેથી તે જ ખાતામાં રૂપિયા મંગાવતો હોવાથી ખાતાધારક બાળક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. દાનહના અથાલમાં રહેતા જયપ્રકાશ શ્રીરામએ 02માર્ચ 2020ના રોજ મધ્યપ્રદેશની એચડીએફસી બેંકમા ઓનલાઇન પર્સનલ લોન માટે અરજી કરી હતી.એ જ સમયે એમને લોન આપવા માટે ફોન આવ્યો હતો.

જેણે રિલાયન્સ ફાઇનાન્સ મુંબઇનો કર્મચારી હોવાનું જણાવ્યું હતુ અને અરજી કરવા માટે એક લીન્ક મોકલાવી હતી. જેથી આપેલા નિર્દેશ મુજબ ફરિયાદીએ 30 હજાર રૂપિયા પંજાબ નેશનલ બેંક પટના શાખાના ખાતામાં જમા કરાવી દીધા હતા. લોન માટે જે અરજી કરી હતી એ પાસ ન થતા ફરિયાદીએ રિલાયન્સ ફાયનાન્સની ઓફિસની તપાસ કરી પણ તેવી કોઈ જ ઓફિસ ના હોવાનુ જાણવા મળ્યુ હતું.

ફરિયાદના આધારે પોલીસે આઈપીસી 420,34 મુજબ ગુનો નોંધી એસપીના નિર્દેશ અનુસાર પીએસઆઇ જીગ્નેશ પટેલ,એએસઆઈ આર.ડી.રોહિત અને એમની ટીમે તપાસ હાથ ધરી પટના બિહાર ખાતે ગયા હતા અને ત્યાં ખાતાધારક ની માહિતી મેળવી આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝા ઉ.વ.22 રહે. સુદામા સિંહની ચાલ લોહાનીપુર,પટના બિહારને પકડી પાડી તપાસમાં તેણે અલગ અલગ કેસોમા છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યુ હતું.

આરોપીએ પંજાબ નેશનલ બેંક ઓફ પટના શાખામા શાળામાં ભણતા છોકરાના નામે છેતરપિંડી કરવાના ઈરાદાથી ખાતુ ખોલાવ્યુ હતુ અને વિવિધ જગ્યાએ એટીએમ અને પાસબુક સંચાલિત કરતો હતો. બીજા ધોખાબાજ સાથે મળી જનતાને અલગ અલગ બહાનુ બનાવી છેતરપિંડી કરી કમાણી કરી ખાતામા પૈસા જમા કરતો હતો. આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાની 19 ડિસેમ્બરે કાયદેસર ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા 23 ડિસેમ્બર સુધી પીસીઆર કસ્ટડી આપવામા આવી છે. તેમજ ખાતાધારક જે કિશોર વયનો છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...