નાનાપોંઢાના વેપારીને 55 લાખની જમીન ખરીદી કરાવી બમણા રૂપિયા કમાઇ આપવાની લાલચ આપી 55 લાખની ઠગાઈ સાથે મુંબઈના બિલ્ડરને પારડી બાલદા જીઆઇડીસીમાં જમીન ખરીદી કરાવી મિત્રતા કેળવી સોનાનો બ્રેસલેટ તેમજ ચેઇન લગ્નમાં પહેરવા માંગી લીધા બાદ પરત ન કર્યા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે.
ફરિયાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. પારડી શહેરમાં રહેતા ખુશાલ માલી વિરૂધ્ધ વલસાડ SP અને પારડી પોલીસમાં લેખિત ફરિયાદ મુજબ મહેશચંદ્ર મહેતાની નાનાપોઢામાં આવેલી દુકાનમાં ખુશાલ માલી જમીનના પેપરો લઈ આવતો હતો.
આ જમીન વેચી તેમાં મને 20 લાખ નફો મળ્યો જેવી વાતો કરી મહેશને લોભામણી વાતોમાં ભોળવી જમીન બતાવી 55 લાખમાં ખરીદી કરાવી હતી. જે બાદ જમીન અન્યને વેચી નફો કર્યો છતા નફો તો ન જ આપ્યો પણ મહેશને જમીનની મૂળ રકમ 55 લાખ પણ પરત ન આપી હોવાનો આક્ષેપ કરાયો છે. અરજી મુજબ રૂપિયા માંગવા જતા તેની સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજી તરફ ખુશાલ માલીએ મુંબઈના હસમુખ જૈનને પણ પારડી બાલદામાં જમીન ખરીદી કરાવી હતી. ચાર માળની બિલ્ડિંગનું નિર્માણ કર્યું હતું. આ નિર્માણ સમયે ખુશાલ ત્યાં પહોંચી દલાલીનું કામ પણ કરતો હતો. ત્યારે તેણે મિત્રતાનો ગેરલાભ ઉઠાવી હસમુખ પાસે સોનાનું બ્રેસલેટ અને ચેન લગ્નમાં પહેરવા માટે માગી પરત આપી ન હતી.
મિત્રતામાં હસમુખ પાસે અંદાજે 3 લાખ ઉછીના લીધા હતા. જે રકમ પણ પુરતી પરત આપી ન હતી. બિલ્ડીંગની સાઈડ પર ખોટા બીલો બનાવી 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ ભોગ બનેલા હસમુખે પણ લેખિતમાં ફરિયાદ કર્યો છે.
મારા વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરાઈ છે
અમે હસમુખ સાથે પાર્ટનરમાં વેપાર કર્યો હતો અને બિલ્ડીંગ બનાવી હતી. જેમાં નફાના રૂપિયા ન આપવા માટે ખોટા આક્ષેપો સાથે ફરિયાદ કરી છે. જ્યારે મહેશચંદ્ર પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જે આપી દીધા છે. અને જમીન તેના દીકરાના નામે જ કરી છે. છતાં આક્ષેપો કરાઈ રહ્યા છે. - ખુશાલ માલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.