ટોલનાકા પર હલ્લાબોલ:વલસાડમાં હાઇવેના જીવલેણ ખાડાને લઇ કરણીસેનાએ આક્રોશ ઠાલવ્યો

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બલીઠા નજીક ખાડામાં કાર પડતા એકનું મોત થયું હતું

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાને કારણે સર્જાયેલા અકસ્માતમાં રાજપૂત કરણી સેનાના એક હોદ્દેદારનું મોત થતા બુધવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓએ વાપી નજીક બગવાડા ટોલનાકા પર હલ્લાબોલ કર્યો હતો.જેને લઇ પોલીસ દોડતી થઇ ગઇ હતી.

બે દિવસ અગાઉ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દમણ કરણી સેનાના અધ્યક્ષ કાર્યકરો તથા વલસાડ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ આલોક સિંહ સાથે વલસાડ હોસ્પિટલમાં સંબંધીને મળવા વાપીથી વલસાડ તરફ જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડામાં કાર પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કનકસિંહ જાડેજાનું મોત થયું હતું.

જ્યારે તેમની સાથે કારમાં સવાર વલસાડ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ આલોક સિંહ પણ ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ ઘટનાનામાં કરણી સેનાના બે અધ્યક્ષોને નડેલા અકસ્માતથી રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ બુધવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર બગવાડા ટોલનાકા પર હલ્લાબોલ કર્યું હતું.કાર્યકરોએ રોડ નહીં તો ટેક્ષ નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા અને થોડા સમય સુધી ટોલનાકા પર ટોલ ટેક્સ ઉઘરાવવાનું પણ બંધ કરાવ્યું હતું.

જો કે ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ પારડી અને વાપીના પીઆઈ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતા. કાર્યકર્તાઓએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સમક્ષ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને દસ દિવસમાં હાઇવે પર પડેલા ખાડાઓ પુરવા માટે ટોલ પ્લાઝાના સત્તાધીશોને એલ્ટીમેટમ પણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...