અકસ્માત:બગવાડા નજીક ઓડી કારની ટક્કરે બાઇકસવાર એકનું મોત, એક ગંભીર

પારડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓરવાડ- ભિલાડના યુવક વાડીમાં કામ કરી પરત આવતા હતા

પારડી બગવાડા હાઈવે પર રજવાડી હોટલ ના સામે એક ઓડી કારે CT -100બાઈક ને ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું છે. જ્યારે પાછળ બેસેલો યુવાનને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા બેભાન હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયો છે.

પારડી તાલુકાના ઓરવાડ ગામે ડુંગર ફળિયા ખાતે રહેતો રામદાસ ગૌતમ ઉંમર વર્ષ 45 જે 15- 20 દિવસ પહેલા ભીલાડ સરીગામ ખાતે આંબાવાડીમાં કામ કરવા માટે તેના મિત્ર વિનોદ રમણલાલ ગૌતમ રહે ભીલાડની સાથે ગયો હતો અને તે આંબાવાડીમાં જ રહેતો હતો ગત રોજ સાંજે આ બંને યુવાનો CT-100 બાઈક નંબર GJ-15-GG-6359 પર સવાર થઈ ઓરવાડ ખાતે રામદાસના પરિવારને મળવા માટે આવી રહ્યા હતા .

ત્યારે બગવાડા હાઈવે પર રજવાડી હોટલ ની સામે એક ઓડી કાર નંબર MH-40-Z-0909 ચાલકે પુરપાટ ઝડપે ઓડી કાર હંકારી લાવી બાઈક સવાર બંને યુવાનો ને ટક્કર મારી હાઇવે પર ફંગોળી દીધા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર માટે પારડી સી.એચ.સી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વિનોદભાઈને હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો છે .જોકે રામદાસ ને પણ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાથી તેને વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો. પારડી પોલીસે ઓડી કાર ચાલક ભરત દેવીલાલ પુરોહિત રહે બોરીવલી ઇસ્ટ મુંબઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કાર ઉચકી નીચે ફસાયેલા બાઈક સવારોને બહાર કઢાયા હતા
અકસ્માત સમયે ઓડી કાર સ્પીડમાં હતી જેથી બાઈક સાથે ચાલક અને સવાર યુવક બંને કાર નીચે આવી જતા ફસાઈ પણ ગયા હતા. એકત્ર થયેલા લોકોએ ભારે જહેમત બાદ કારને આગળના ભાગેથી ઉંચકી કાર નીચે ફસાયેલા બંને યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...