દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણ માંથી રોડ માર્ગે મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે જેના પર રોક લગાવવા વલસાડ જિલ્લા પોલીસે વિવિધ સ્થળો પર નાકાબંધી કરી છે અને દમણની બોર્ડર પર પણ પોલીસનો સખ્ત પહેરો રહેતો હોવાથી હવે બુટલેગરો માટે રોડ માર્ગે દારૂ ઘુસાડવાનું મુશ્કેલ બનતાં હવે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પોલીસે ઉદવાડા દરિયા કિનારે બાતમી આધારે મળતા છાપો મારી બે બોટમાંથી 3.36 લાખનો દારૂ,2 બોટ મળી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ 6 આરોપીની ધરપકડ કરી દરિયા માર્ગે થતી દારૂ હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
પારડીના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, ક્રિપાલસિંહ, બીપીન સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, નાની દમણના આશિષ ટંડેલ કૃતિકા કૃપા નામની બોટમાં દમણ દરિયા કિનારેથી દારૂનો જથ્થો ભરી દરિયાઈ માર્ગે વલસાડ ડુંગરી દાંતી ભાગલ ખાતે લઈ જઇ રહ્યો છે. તેમજ આ બોટ બગડી જતા ઉદવાડા ખાતે દરિયા કિનારે લાવી બીજી બોટમાં ટ્રાન્સફર કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા તેઓએ તાત્કાલિક પીઆઇ મયુર પટેલને જાણ કરતા તેમણે વધુ ટીમને રવાના કરી દરિયા કિનારે છાપો માર્યો હતો.
જ્યાં કૃતિકા કૃપા નામની બોટ નંબર IND GJ 15 MM 2953 માંથી દારૂનો જથ્થો વગર નંબરની અન્ય બોટમાં ટ્રાન્સફર કરતા હતા એ છ આરોપીઓ આશિષ ઉર્ફે અજય ઉર્ફે કોલી નરસિંહભાઈ ટંડેલ, ધર્મેશ બાબુભાઈ પટેલ બંને રહે નાની દમણ અને યોગેશ ઉર્ફે યોગી હરીશભાઈ ટંડેલ, જીગર ઉર્ફે જીગુ હરીશ ટંડેલ બંને રહે કોલક બારીયાવાડ, ભુપેન્દ્ર નટવરભાઈ ટંડેલ, મયુર નંદલાલભાઈ ટંડેલ બંને રહે મોટી દાંતી અક્ષરધામ ફળિયા વલસાડને ઝડપી પાડ્યા હતા. પોલીસે બોટમાંથી અલગ અલગ બ્રાન્ડના દારૂની બોટલ નંગ 5424 જેની કિંમત રૂ 3,36,000 તેમજ બે બોટની કિં. રૂ. 12,00,000 મળી 15.42 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
દમણની રોયલ વાઇન શોપના સંચાલક સિહત 3 વોન્ટેડ
આ દારૂની હેરાફેરીમાં હેમલ ઈશ્વરભાઈ કામળી રહે નાની દમણ, વાંકડ પાતળિયા અને રોયલ વાઇન શોપ નો સંચાલક તેમજ જયેશ રમેશભાઈ પટેલરહે છરવાડા દંતરાઈ ફળિયા વલસાડની દારૂ હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા આ ત્રણેયની વોન્ટેડ જાહેર કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.