તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિંદગી સાથે રમત:વલસાડના ઠગે 42,500 લીધા બાદ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ન આપતાં અંતે કોરોના દર્દીનું મોત

પારડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • ટોસીલીઝુમેબ ઇન્જેક્શન બજારમાં ન મળતાં ઠગે બે નંબરમાં મેળવી આપવા રૂપિયા લીધા હતા

બીજી લહેરની ઝપેટમાં આવતા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આવી મહામારી વચ્ચે માનવ જિંદગી સાથે ખીલવાડ કરનારા કેટલાક તત્વો પોતાના આર્થિક લાભ માટે સક્રિય થયા છે. પોતાના દર્દીને બચાવવા માટે જરૂરી દવા મેળવવા પરિવાર રીતસર રઝળપાટ કરી રહ્યા છે. તેમની લાગણીનો લાભ ઉઠાવી ઠગ તત્વો કોરોનામાં કાળી કમાણી કરતા સરમાતા નથી.

પારડી પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદ લોકો માટે આંખ ઉઘાડ નારી છે. સંઘપ્રદેશ દમણ ખાતે રહેતા માર્ગેશભાઈ જયરામભાઈ પટેલની કોરોના લક્ષણ હોવાથી તબિયત લથડતા 25 એપ્રિલે તેમને વાપી ખાતે આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.

દરમિયાન સારવારમાં દર્દીને ટોસીલીઝુમેબ નામક ઇન્જેક્શનની જરૂર પડતા તેમના પરિવારે ઇન્જેક્શનની મેડિકલ સ્ટોરમાં શોધખોળ કરી હતી. સ્ટોરમાં ઇન્જેક્શન ન મળતાં આ દરમિયાન પારડી ડુંગરી બેરવાડ ખાતે રહેતા તેમના મામા સસરા હેમંત નાથુભાઈ પટેલે પણ આ ઇન્જેક્શનની તપાસ કરતા તેના મિત્રએ પારડી સાંઢપોર, લક્ષ્મીનારાયણ બિલ્ડીંગ એ વિંગ, ફ્લેટ નંબર 209માં રહેતા હેમંત વાલજીભાઈ સાવરિયાનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેનો સંપર્ક કરવામાં આવતા તેણે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન મેળવી આપીશ તેમ કહ્યું હતું.

આ ઇન્જેક્શન 45,000નું આવશેનું જણાવી અડધી રકમ તાત્કાલિક માંગ્યા હતા. જેથી તેના એકાઉન્ટમાં પરિવારે 22,500 ઓનલાઇન ટ્રાન્સર્ફર કર્યા હતા. મની ટ્રાન્સર્ફર થયાના બે દિવસ પછી તમારું ઇન્જેક્શન આવી ગયું છે. બાકીની રકમ માંગતા પરિવારે બીજા 20,000 આરોપી હેમન્ત સાવરિયાના ખાતામાં મોકલી આપ્યા હતા. જોકે, ત્યારબાદ ઇન્જેક્શન માટે પરિવાર ફોન કરતા હેમંત સાવરિયાએ જુદાજુદા બહાના બતાવી વાતને ઠેલવી હતી. ઇન્જેક્શન સમયસર ન મળતા હોસ્પિટલમાં માર્ગેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારબાદ મામા સસરાએ રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખતા વલસાડ પારડી સાંઢપોરના હેમંત સાવરિયાએ બહાના કાઢી રૂપિયા આપ્યા ન હતા. મામા સસરાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પારડી પીએસઆઈ બી.એન.ગોહિલે ઠગ આરોપી હેમન્ત સાવરિયાની ધરપકડ કરી છે. આ ચીટરે અત્યાર સુધીમાં કેટલા લોકોને ઇન્જેક્શન આપવાના બહાને શિકાર કર્યો હતો જે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...